વડોદરામાં 15 દિવસમાં બે અછોડા તોડનાર બાઇક સવાર અછોડાતોડ પકડાયા
વડોદરાઃ શહેરમાં ૧૫ દિવસના સમયગાળામાં બે મહિલાના અછોડા લૂંટનાર બે અછોડાતોડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બે અછોડા, મંગળસૂત્ર,બે બાઇક અને બે મોબાઇલ મળી રૃ.સાડા પાંચ લાખની મત્તા કબજે કરી છે.
વાઘોડિયારોડ પર ડીમાર્ટ નજીક ગઇ તા.૭મીએ રાતે પોણાનવેક વાગે પતિ સાથે બાઇક પર જતી મહિલાનો પીછો કરનાર બે યુવકોએ અડધાતોલાનું મંગળસૂત્ર અને પેન્ડલ વાળી સાડાત્રણ તોલાની ચેન લૂંટી હતી.
આવી જ રીતે તા.૨૧મીએ રાતે સાડા આઠેક વાગે સોમાતળાવ રોડ પર સ્કૂટર પર જતી મહિલાની પાછળ આવેલા બાઇક સવાર બે લૂંટારાએ એક તોલાનો અછોડો લૂંટી લીધો હતો.જેથી પોલીસે બંને બનાવના ફૂટેજ મેળવી તપાસ શરૃ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને તેમની ટીમે પાણીગેટ પાસેથી બે બાઇક સવાર યુવકોને ઝડપી પાડી જડતી કરતાં તેમની પાસેથી સોનાની બે ચેન અને એક મંગળસૂત્ર મળ્યા હતા.જેથી બંનેની પૂછપરછ કરતાં ઉપરોક્ત બે અછોડા લૂંટવાના બનાવનો ભેદ ખૂલ્યો હતો.
પકડાયેલામાં હસમુખ ઉર્ફે રાધે પ્રવિણભાઇ કહાર(બાવચાવાડ ટેકરા પર મૂળ જીવણનગર,વુડાના મકાનમાં,વાઘોડિયા રોડ) અને સલીમ માસુમઅલીશા દિવાન(જહુરશા નો ટેકરો,પાણીગેટ મૂળ નંદુરબાર,મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે.