વડોદરાના ચાર દરવાજામાં ગેરકાયદે દબાણો હટાવવા પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરી : બે ટ્રક ભરી માલસામાન જપ્ત
Vadodara Demolition : વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં આજે અચાનક પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. સ્થાનિક પોલીસ બંદોબસ્ત લઈ દબાણ શાખાએ મંગળ બજારમાંથી બે ટ્રક જેટલો હંગામી સામાન કબ્જે લીધો હતો.
શહેરના શહેરની મધ્યમાં આવેલા મંગળ બજારમાં આજે ઓચિંતી દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. વાડી, સીટી અને ટ્રાફિક પોલીસને સાથે રાખીને અહીંના હંગામી દબાણો દૂર કરવા સાથે નડતરરૂપ દબાણો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ સવારના સમયે અહીં આવી પહોંચતા ગેરકાયદેસર રીતે રસ્તાને નડતરરૂપ લારી, ગલ્લા, પથારા લગાવી દેનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દબાણ શાખાની અહીં ન્યાય મંદિર સામેના માર્ગે થઈ પ્રતાપ ટૉકીઝની સામેની ગલીની અંદર જઈ હંગામી દબાણો દૂર કર્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકાની દબાણ શાખાએ અલગ અલગ જગ્યાએથી બે ટ્રક જેટલો ગેરકાયદેસર સામાન જપ્ત કર્યો હતો. દબાણ શાખાની કાર્યવાહી શરૂ થાય તેના પૂર્વે જ કેટલાક દબાણ કર્તાઓ તાત્કાલિક પોતાના પથારા લઈને ભાગી છુટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દબાણ શાખા દ્વારા મંગળ બજારમાં નડતરરૂપ દબાણ અંગે ક્યારેય કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ ગણતરીના કલાકોમાં અહીંના દબાણો ફરી લાગી જતા હોય છે. આ માટે પોલીસ અને કહેવાતા કેટલાક રાજકારણીઓની હપ્તાખોરી હોવાની ચર્ચા છે. આજે દૂર કરવામાં આવેલા દબાણો બાદ કેટલાક સમય સુધી અહીંના રસ્તા ખુલ્લા રાખી શકાશે? એ બાબત જોવાની રહી.