Get The App

વડોદરા: ઘરમાં સુખ શાંતિ અને ગુપ્ત સોનાની લ્હાયમાં એક પરિવાર તાંત્રિકની જાળમાં ફસાયો, લાખો રૂપિયા ગુમાવ્યા

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News

વડોદરા: ઘરમાં સુખ શાંતિ અને ગુપ્ત સોનાની લ્હાયમાં એક પરિવાર તાંત્રિકની જાળમાં ફસાયો, લાખો રૂપિયા ગુમાવ્યા 1 - image

18 Lakhs Fraud in Vadodara : ઘર કંકાસ દૂર કરવા અને સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે શોર્ટ કટ અપનાવવા જતા લે ભાગુ તાંત્રિક ટોળકીમાં ફસાયેલા એક  શ્રમજીવીએ રૂ 18 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો બનતા જેપી રોડ પોલીસે વડોદરા અમદાવાદ અને રાજસ્થાનના પાંચ તાંત્રિકો સામે ગુનો દાખલ કર્યો છે. તાંત્રિકોએ પરિવારને એટલી હદે નીચોવી નાખ્યો હતો કે સોનાનો ચરું કાઢવા માટે શ્રમજીવીએ જ્યાં મળે ત્યાંથી રૂપિયા લાવીને તાંત્રિકોના ચરણોમાં ધરી દીધા હતા. પરંતુ છેલ્લે કાંઈ જ હાથ લાગ્યું ન હતું. 

તાંત્રિકની લોભામણી જાહેરાતથી આશા જાગી

વડોદરાના વાસણા ભાયલી રોડ ઉપર પંચમુખી વુડાનાં મકાનમાં રહેતા અને કલર કામ તેમજ પ્લમ્બિંગનું કામ કરતા આધેડ વયના અભેસિંગભાઈ ચૌહાણ પોલીસને કહ્યું હતું કે મારે સંતાનમાં એક યુવાન પુત્ર અને યુવાન પુત્રી છે. જેમાં પુત્રીના લગ્ન થઈ ગયા છે. વર્ષ 2017 માં મારુ ધંધો બરાબર ચાલતો ન હતો અને ઘરમાં પણ કંકાસ રહેતો હોવાથી એક જ્યોતિષ તાંત્રિક વિધિથી કોઈપણ નડતર, ઘર કંકાસ અને ગુપ્ત ધન કાઢી આપે છે તેવી જાહેરાત જોઈ તેને ફોન કર્યો હતો. 

વડોદરા: ઘરમાં સુખ શાંતિ અને ગુપ્ત સોનાની લ્હાયમાં એક પરિવાર તાંત્રિકની જાળમાં ફસાયો, લાખો રૂપિયા ગુમાવ્યા 2 - image
તાંત્રિક વિનોદ જોશી 

તાંત્રિક દિનેશ જોષીએ સરનામું લીધું, ખોપરીની માળા કાઢી 1100 માં પહેલી વિધિ કરી

અમદાવાદના તાંત્રિક દિનેશ જોષી એ શ્રમજીવીની કહાની સાંભળ્યા બાદ તેના ઘરનું સરનામું લીધું હતું અને વડોદરાના ગેંડા સર્કલ પાસે કુંજલ એપાર્ટમેન્ટમાં મારી ઓફિસ છે તેમ કહી શ્રમજીવીને વાતોમાં ફેરવ્યો હતો. 5 સપ્ટેમ્બર 2017ના રોજ દિનેશ જોશી શ્રમજીવી અભેસિંગભાઈ ને ઘેર આવ્યો હતો અને કામ ધંધો સારો ચાલે તે માટે પહેલી વાર 1100 રૂપિયામાં વિધિ કરી હતી. તેણે ભગવાનની મૂર્તિઓ તેમજ ખોપરીની માળાની પૂજા વિધિ કરી હતી. 

તમારા ઘરમાં તો ગુપ્ત ધન છે...કઢાવશો નહીં ત્યાં સુધી કંકાસ નહિ મટે, કોઈનો જીવ પણ જશે

શ્રમ જેવી પરિવારને ફસાયેલો જોઈ તાંત્રિકે લાભ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ઘરમાં ગુપ્ત ધન છે. જે નહીં નીકળે ત્યાં સુધી કંકાસ નહીં મળે અને ઘરમાંથી કોઈને જીવ ગુમાવવાનો પણ વારો આવશે. જેથી સમજી પરિવાર ગભરાઈ ગયો હતો. અને અભેસિંગભાઈએ તેના પુત્રને પુત્રીની રૂ 20,000 માં વિધિ કરાવી હતી. 

100 ગ્રામના પાંચ સિક્કા-તામ્રપત્ર ચૂલામાંથી કાઢી આપ્યા

તાંત્રિક દિનેશ પરિવારને સતત ડરાવતો રહેતો હતો અને કુટુંબના ક્લેશ દૂર કરવા માટે વિધિની વાત કરતો હોવાથી શ્રમજીવી તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ પંચમહાલના ઘોઘંબા ખાતે આવેલા વાંગરવા ગામના વતને દિનેશને લઈ ગયા હતા. જ્યાં રૂ 60 હજારમાં દિનેશે વિધિ કરી હતી અને ચૂલામાં ખાડો ખોદી 100 ગ્રામના ચાંદીના પાંચ સિક્કા કાઢી કહ્યું હતું કે આની કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા મળશે. આ સાથે તામ્રપત્ર પણ કાઢી આપ્યું હતું અને આ તામ્રપતમાં તમારા ભાગ્યનું ધન છે તેની વિધિના આઠ લાખ રૂપિયા ખર્ચ થશે તેમ કહી નવી વિધિ માટે તૈયાર કર્યો હતો. 

સોનાનો ચરુંનો આદેશ મળ્યો છે.. તેમ કહી સોનાના બિસ્કીટ બતાવી અદ્રશ્ય કરી દીધા

તાંત્રિકે નર્મદા નદીના કિનારે વિધિ કરાવી કહ્યું હતું કે વાંગરવા ગામના મકાનમાં સોના નો ચરુ છે તેઓ આદેશ મળ્યો છે. વતનમાં લઈ જઈ ખાડામાં ફરી તેને ચાર સોનાના બિસ્કીટ બતાવ્યા હતા અને આ બિસ્કીટ હાથ ચાલાકીથી અદ્રશ્ય કરી દીધા હતા. 15 દિવસ પછી ફરી આવું પડશે તેમ કહી વાત પૂરી કરી હતી.

સોનાના ચરુમાંથી નીકળેલા મણકા કોલસો થઈ ગયા

દિનેશ જોષીએ એક પછી એક વિધિ બતાવી હતી અને અમદાવાદ તેમજ રાજસ્થાનના બીજા સાગરીતો ને પોતાની સાથે લાવતો ગયો હતો. તેણે સોનાનો એક ચરું કાઢી આપ્યો હતો અને તેમાં સોના જેવા મણકા ભરેલા હતા. ખાડામાંથી આ ચરુ કાઢ્યા બાદ અંદર ફરી મૂકી દીધો હતો અને ખોપરી ન માળા ની પૂજા કરી કહ્યું હતું કે તમારે સોનુ ખાડામાં પાછું મૂકવું પડશે. જીતેન્દ્ર એ ખાડામાં ઘડો પાછો મુકવા જતા ધડાકો કર્યો હતો. જેથી શ્રમજીવી પરિવાર અભિભૂત થઈ ગયો હતો. રાજસ્થાની જોશી એ કહ્યું હતું કે તમારે આ સોનાની એક મહિના સુધી પૂજા કરવાની રહેશે. પરંતુ ઘડો ખોલ્યો ત્યારે તેમાં કોલસા નીકળ્યા હતા.

તાંત્રિકોને ખુશ કરવા લોન લીધી, દાગીના વેચ્યા સગા સંબંધીઓ પાસેથી રૂપિયા લીધા

તાંત્રિકોએ શ્રમજીવીને એટલી હદે અભિભૂત કરી દીધો હતો કે તેને એમ જ હતું કે હું રાતોરાત ધનપતિ બની જવાનો છું. આ સપના સાકાર કરવા માટે તેણે તાંત્રિકોએ માગ્યા તે મુજબ રૂપિયા લાવી લાવીને આપ્યા હતા. શ્રમજીવીએ દાગીના વેચીને રૂ 4.50 લાખ મેળવ્યા હતા અને દોઢ લાખની લોન લીધી હતી. આ ઉપરાંત તેમણે સગા સંબંધીઓ પાસેથી પણ રૂપિયા લઈ લઈને તાંત્રિકોને આપ્યા હતા.

ચેક અને ઓનલાઈનથી પણ પેમેન્ટો લીધા, કાંઈ હાથ ન લાગ્યું

તાંત્રિકોએ ઓનલાઇન પેમેન્ટ લીધું હતું તેમજ ચેક થી પણ રૂપિયા સ્વીકાર્યા હતા. વિધિઓ કર્યા પછી પણ અભેસિંગભાઈ ને કાંઈ નહીં મળતા આખરે તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. જેથી ગભરાયેલા તાંત્રિકોએ તેને પૈસા પાછા આપવાની બાહેધરી આપી હતી અને સમાધાન લેખ પણ લખાવી લીધો હતો. 

દિનેશની ઓફિસમાં કાર ભાર થયો, કોની કોની સામે ફરિયાદ નોંધાઈ

શ્રમજીવીએ કહ્યું છે કે, દિનેશભાઈની ઓફિસે અવારનવાર મીટીંગ થતી હતી અને રાજસ્થાન તેમજ અમદાવાદના જ્યોતિષ પણ મળવા આવતા હતા. જેથી ઉપરોક્ત ફરિયાદને આધારે જે પી રોડ પોલીસે પાંચ તાંત્રિકો (1) સૂત્રધાર દિનેશ જોષી (2) જીતેન્દ્ર બાબુલાલ જોશી (બંને રહે આકાશદીપ એપાર્ટમેન્ટ, નવા વાડજ, અખબાર નગર પાસે અમદાવાદ) (3) સતીશ પ્રકાશભાઈ જોશી (બોરુન્દ્રા, નવી કોલોની, જોધપુર રાજસ્થાન) (4) રાકેશ જોષી અને (5) વિનોદ જોશી (બંને રહે અમદાવાદ). સામે ગુનો નોંધ્યો છે જેમાંથી વિનોદ જોશી (રહે અમદાવાદ) ની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય ચાર હજુ પોલીસ ગિરફતથી દૂર છે. 


Google NewsGoogle News