વડોદરાના ગંદા તળાવમાં પાંદડાવાળી લીલી શાકભાજી ધોઈને વેચતા લોકોના આરોગ્ય સાથે ચેડા
Vadodara : હાલ શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીમાં ખાસ તો મેથીની ભાજી, પાલક, લીલા ધાણા, મૂળા, લીલી ડુંગળી વગેરેની પુષ્કળ આવક શરૂ થઈ છે. શાકભાજીના ધંધાર્થીઓ ખેતરમાંથી સીધી આ વસ્તુ લાવીને ગંદા તળાવના પાણીમાં ધોઈને બજારમાં વેચવા માટે પધરાવી રહ્યા છે. જે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે.
વડોદરા નજીક બંધિયાર તળાવમાં આ રીતે પાંદડાવાળી લીલી શાકભાજી ધોવામાં આવે છે. સામાજિક કાર્યકરના કહેવા અનુસાર છાણીથી ગોલ્ડન ચોકડી બ્રિજ પરથી નીચે ઉતરતા ડાબી બાજુ જોગણીયા તળાવ આવેલું છે, જ્યાં ટેમ્પાઓમાં શાકભાજી ભરાઈને આવે છે, અને ગંદા પાણીમાં ધોઈને વેચવા માટે રવાના કરવામાં આવે છે. આ પ્રકારનું શાકભાજી ખાવું આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. ગંદા તળાવમાં જાત જાતના જીવાણુ હોય છે, અને તેમાં ધોયેલું શાકભાજી ઘરે લાવ્યા બાદ સ્વચ્છ પાણીથી બરાબર સાફ કર્યા વગર સીધું ઉપયોગમાં લેવાથી આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે. તંત્ર પણ આવા ગંદા પાણીમાં શાકભાજી ધોતા અટકાવતું નથી. જે તળાવમાં શાકભાજી ધોવાય છે તે ખૂબ જ ગંદુ છે અને પાણીમાં લીલ જામી ગયેલી છે. પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિના કહેવા મુજબ વડોદરામાં નાનું મોટું એક પણ તળાવ ચોખ્ખું નથી. બધા તળાવો ગંદા અને તેમાં ગટરના પાણી ભરેલા હોય છે. નળમાં જ પાણી ચોખ્ખું ન આવતું હોય તો પછી તળાવમાં ક્યાંથી હોય એમ કહી તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય રીતે જે તળાવનું પાણી પી શકાય તેવું હોય તેમાં જ શાકભાજી ધોઈ શકાય છે, પરંતુ ગંદા તળાવમાં જાત જાતના બેક્ટેરિયા હોય છે. આ પાણી ખેતીના ઉપયોગમાં લઈ શકાતું હોય છે, પરંતુ તેનાથી શાકભાજી ધોવાય નહીં.