PM મોદીના આગમનને કારણે સફાઈ ઝુંબેશ બીજી બાજુ કોર્પોરેશનની માલિકીનું પદ્માવતી શોપિંગ સેન્ટર વરસાદ-ડ્રેનેજના ગંદા પાણીમાં ગરકાવ
Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં આવેલા વર્ષો જુના પદ્માવતી શોપિંગ સેન્ટર એક બાજુ તોડવા અંગે નિર્ણય લીધા બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે તો બીજી બાજુ તેનું મેન્ટેનન્સ કરવાની કામગીરી કોર્પોરેશન માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. તેના ભોયરામાં 15 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે છતાં તેને કાઢવા માટેની કોઈ કામગીરી થતી નથી. જેને કારણે વેપારીઓ દ્વારા કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરના સુરસાગરના કિનારે વર્ષો પહેલા નિરાશ્રીતો એવા સિંધી સમાજના વેપારીઓની કેબીનો હતી તે હટાવવામાં આવ્યા બાદ કોર્પોરેશન દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું અને તેઓને ભાડાની જગ્યા આપવામાં આવી હતી. હવે આ પદ્માવતી શોપિંગ સેન્ટર વર્ષો જૂનું થઈ ગયું હોવાને કારણે તેમજ હેરિટેજ વડોદરાના પ્રોજેક્ટ અંતર્ગત તેને તોડવાનો નિર્ણય લેવામાં આવતા વેપારીઓ એ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ત્યારે હવે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ગટરના પાણીથી પદ્માવતી શોપિંગ સેન્ટરનું ભોયરું છલકાઈ ગયું છે છતાં પણ તે પાણી બહાર કાઢવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી.
આ અંગે વેપારીઓએ અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. એક બાજુ પ્રધાનમંત્રી આવવાના છે તે રૂટ પર નવા રસ્તા રોશની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોર્પોરેશનની માલિકીના પદ્માવતી શોપિંગ સેન્ટરમાં છેલ્લા કેટલાક સમયથી ભોયરામાં ગંદા પાણી ભરાયેલા પડ્યા છે છતાં પણ તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.
કોર્પોરેશનના તંત્ર સમક્ષ વેપારીઓએ રજૂઆત કરતા ભોંયરાનું પાણી બહાર કાઢવા માટે પદ્માવતી શોપિંગ સેન્ટરના પાછળના ભાગે રસ્તા પર ખુલ્લામાં છોડવું પડે તેવી પરિસ્થિતિ હોવાથી ત્યાંના પથારાવાળાઓ વિરોધ કરી રહ્યા છે. જેથી કોર્પોરેશન માટે પદ્માવતી શોપિંગ સેન્ટરનું મેન્ટેનન્સ કરવાની કામગીરી માથાના દુખાવા સમાન બની ગઈ છે.