વડોદરા: ગેરકાયદે બાંધકામ અંગે અરજી આપનાર નિવૃત્ત આર્મી મેન પર હુમલો
Image Source: Freepik
વડોદરા, તા. 17 માર્ચ 2024, રવિવાર
ગેરકાયદે બાંધકામ અંગે કોર્પોરેશનમાં અરજી આપનાર નિવૃત્ત આર્મી મેન પર સોસાયટીમાં રહેતા દંપતિએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આજવા રોડ કમલા નગર તળાવ પાસે આનંદ મંગલ સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન સંજય પદ્મા કર રણદિવે એ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા મકાનની સામે રહેતા રાજેશભાઈ રણછોડભાઈ ચાવડાના મકાનનું રીનોવેશનનું કામ તેમને શરૂ કર્યું છે હાલમાં ભોઇ તળિયેથી એક માળનું મકાનનું બાંધકામ થઈ ગયું છે. તેઓના મકાનની આગળ તેમની માલિકીના પ્લોટ એરિયામાં બીમથી બાલકની અને કેબિન તેમજ ઉપર જવાના દાદરા નું વધારાનું બાંધકામ કર્યું હતું. રાજેશભાઈ જ્યારે ગેરકાયદે બાંધકામ કરતા હતા ત્યારે અમે તેમને કાયદેસર બાંધકામ કરવા કહ્યું હતું અને તમારા ગેરકાયદેસર બાંધકામથી અમારો વેન્ટિલેશન બંધ થઈ જાય છે તેવું સમજાવ્યું હતું તેમ છતાં તેમણે મકાનનો બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી અમે ગેરકાયદે બાંધકામ તોડવા માટે કોર્પોરેશનમાં અરજી આપી હતી જે અરજી અનુસંધાને કોર્પોરેશન તરફથી રાજેશભાઈને નોટિસ આપવા છતાં પણ બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી બીજી ડિસેમ્બર 2023 ના રોજ રાજેશભાઈ ચાવડા ના મકાન નો ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કોર્પોરેશન નો સ્ટાફ આવ્યો હતો. રાજેશભાઈએ સાત દિવસમાં બાંધકામ તોડાવી નાખીશ તેવી લેખિતમાં બાહેધરી આપી હતી. તેની રીસ રાખી રાજેશભાઈ ચાવડા તથા તેમના પત્ની હંસાબેન અમારા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ તોડી નાખતાં મારું ઘણું નુકસાન થયું છે તેઓએ અમને જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે મારા જેવો ખરાબ માણસ તમને સોસાયટીમાં નહીં મળે તેમણે મને બે ત્રણ મુક્કા મારી દીધા હતા. મેં બૂમાંબૂબ કરતા આજુબાજુથી પાડોશીઓ આવે તે પહેલા પતિ પત્ની જતા રહ્યા હતા.