વડોદરા: જેઠ દ્વારા ભાભીની હત્યા, અદાલતે આજીવન કેદની સજા ફટકારી

Updated: Nov 18th, 2021


Google NewsGoogle News
વડોદરા: જેઠ દ્વારા ભાભીની હત્યા, અદાલતે આજીવન કેદની સજા ફટકારી 1 - image


દોઢ વર્ષ અગાઉ વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે મિલકત વિવાદમાં જેઠએ ભાભીને કેરોસીન વડે સળગાવી નાખી મોત નિપજાવવા મામલે સિટી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ ગઈકાલે અદાલતમાં ચાલી જતાં બંને પક્ષોની દલીલો અને મૌખિક તથા દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરી ન્યાયાધીશે આરોપીને આ ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા 25 હજાર દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સ્વ. શહેનાઝ બાનુ ઉમરભાઈ શેખ ( રહે -ચાંપાનેર દરવાજા, ગોપાલ ડેરીની બાજુમાં ,વડોદરા ) ના પતિ અને જેઠ ગુલામરસુલ જમાલભાઈ શેખ ( રહે - ચાંપાનેર દરવાજા ,ગોપાલ ડેરીની બાજુમાં, વડોદરા) નું સહિયારું મકાન છે. જે મકાનની માલિકી જેઠ ગુલામહુસેનના નામે હોય પોતાના નામે કરવા માટે શહેનાઝબાનુ અને જેઠ વચ્ચે અવાર નવાર રકઝક થતી હતી. ફેબ્રુઆરી વર્ષ 2020 દરમિયાન શહેનાઝબાનુ મકાન માં હાજર હતી. તે સમય અચાનક જેઠ ગુલામરસુલ  પ્લાસ્ટિકના કારબામાં કેરોસીન ભરી લાવી શહેનાઝબાનુ ઉપર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. આ ઘટનામાં શહેનાઝબાનુ ગંભીર રીતે દાઝી જતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે સમયે શહેનાઝ બાનુ ભાનમાં હોય  પોલીસે મરણોન્મુખ નિવેદન લઇ હત્યાની પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ત્રણ દિવસ બાદ ગંભીર રીતે દાઝી ગયેલા શહેનાઝબાનુએ પીડા સહન ન થતાં દમ તોડયો હતો. અને પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. હાલ આરોપી ગુલામ રસુલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. અદાલતે નોંધ્યું હતું કે, પુરાવામાં મૃતકની ફરિયાદ અને એક્ઝિ. મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવેલું મૃતકનું મરણોન્મુખ નિવેદન મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત પાડોશી તથા પરિવારજનોને સારવાર દરમિયાન ઘટનાની સમગ્ર હકીકત જણાવી હતી. મૃતકે સાક્ષીઓની હાજરીમાં ઘટનાની વર્ણવેલી હકીકત પણ મરણોન્મુખ નિવેદનના સ્વરૂપમાં ગણી શકાય.

કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ જો મરણોન્મુખ નિવેદન અદાલતને યોગ્ય અને વિશ્વાસ પાત્ર જણાઇ આવે તો અન્ય કોઇ પુરાવા કે સમર્થન વગર આરોપીને સજા કરી શકે છે . જોકે રજૂ થયેલા મરણોન્મુખ નિવેદનો  યોગ્ય અને વિશ્વાસપાત્ર છે કે કેમ ? તે દિશામાં પણ અદાલતે ઝીણવટ ભરી કાળજી લીધી હતી. અને તમામ પાસા ચકાસી બંને પક્ષોની દલીલો  બાદ અદાલતે આ ગુનામાં આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા 25 હજાર દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.


Google NewsGoogle News