વડોદરા પાલિકા-દબાણ શાખાની ટીમ સવારથી એક્શનમાં : મંગળ બજાર, લહેરીપુરા, માંડવી, યાકુતપુરા, ફતેપુરાના દબાણોનો સફાયો
Vadodara Corporation Demolition : વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણો માથાના દુખાવા રૂપ બન્યા છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ જાહેર થતી નથી. ગેરકાયદે દબાણો દૂર થયાની ગણતરીની મિનિટોમાં જ ટીમ જતાંની સાથે જ ફરીવાર યથા સ્થાને દબાણો જેમના તેમ થઈ જાય છે. ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારથી જ મંગળ બજારના દબાણ ઉપર સપાટો બોલાવ્યો છે.
દુકાનોના લટકણીયા લારી ગલ્લા પથારા હટાવીને દબાણની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. જ્યાંથી લહેરીપુરા, માંડવી, સંવેદનશીલ ફતેપુરા ચાંપાનેર દરવાજા સહિત આસપાસના વિસ્તારના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા પથારા સહિત કાચા બનાવવામાં આવેલા શેડ સહિત રોડ રસ્તા પરના મોટર ગેરેજ તથા અન્ય ગેરકાયદે દબાણ ઉપર દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો. પાલિકાની આ કાર્યવાહી દરમિયાન સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાં ઠેક ઠેકાણે ટોળા ઉમટી પડતા બંદોબસ્ત તૈનાત પોલીસ કાફલાએ ટોળાને વિખેરી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રોડ રસ્તાના અને ફૂટપાથ પરના બંને બાજુના ગેરકાયદે દબાણોના કારણે ફૂટપાથ પર ચાલવાની જગ્યાએ રહેતી નથી અને દબાણોના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જતા હોય છે જેથી યાકુતપુરા ચાંપાનેર, માંડવી લહેરીપુરા, મંગળ બજાર વિસ્તારમાં લોકોને ચાલવાની જગ્યા મળતી નથી આ ઉપરાંત મંગળ બજારમાં પોણા ભાગના બંને બાજુના રસ્તા દુકાનદારો લટકણીયા લટકાવીને રોકી લેતા હોય છે. આવી ફરિયાદો વારંવાર મળતી હોવાના કારણે આજે દબાણ શાખાની ટીમ મંગળ બજારથી લહેરીપુરા માંડવી, ચાંપાનેર સહિતના વિવિધ વિસ્તારમાં થયેલા ઠેર ઠેર ગેરકાયદે દબાણો પર ત્રાટકી હતી. રોડ રસ્તા અને ફૂટપાથના દબાણો દૂર કરાવીને પાલિકા તંત્રએ રોડ રસ્તા ફૂટપાથ ખુલ્લા કરાવ્યા હતા. સંવેદનશીલ વિસ્તાર ફતેપુરા યાકુતપુરામાં પાલિકા-દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેથી બંદોબસ્તમાં તૈનાત સ્થાનિક પોલીસ કાફલાએ સમજણપૂર્વક મામલો થાળે પાડી ટોળાને હટાવ્યા હતા.