ભાજપના સાંસદ ધક્કામુક્કીથી પડી જતા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ હોબાળો મચાવ્યો
Vadodara : છેલ્લા બે દિવસથી દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાજ્ય સભામાં બંધારણના ગૌરવશાળી 75 વર્ષ ઉપર વક્તવ્ય અપાઈ રહ્યું હતું ત્યારે એમના ભાષણમાં બાબાસાહેબ આંબેડકર નું નામ અપમાનજનક રીતે બોલવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ વંટોળ શરૂ થયો હતો તેની સામે આજે દિલ્હીમાં પણ ભાજપ કોંગ્રેસ દ્વારા આમને સામને દેખાવો દરમિયાન એક સંસદ સભ્યને ધક્કો વાગતા પડી ગયા હતા જે અંગે વડોદરાના સાંસદ હેમાંગ જોશી એ ઉગ્ર રીતે રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું ધ્યાન દોરતાં રાહુલ ગાંધીને ધક્કાથી પડી ગયેલા સાંસદ પાસે આવવાની ફરજ પડી હતી ત્યારે અન્ય લોકોએ કોંગ્રેસના કાર્યકરો ગુંડા ગરદી કરતા હોવાનું જણાવ્યું હતું.
ભાજપ દ્વારા આક્ષેપ થયો છે કે, ગૃહમંત્રીના પ્રવચનનાચોક્કસ અંશો કાપીને કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાયા હતા. જેમાં ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરાયું હોવાને લીધે અમિત શાહે રાજીનામું આપી દેવુ જોઈએ એવી માંગ પણ કરવામાં આવી હતી. જોકે અમિત શાહના ભાષણના એડિટેડ અંશો રજૂ કરીને કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ કરવાનો પ્લાન ઘડાયો હતો. જે પહેલા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પછી એક સોશિયલ મીડિયા ઉપર ટ્વિટ કરીને અમિત શાહ અને બાબા સાહેબ આંબેડકરની તરફેણમાં પાર્ટી ઊભી છે એવો સંદેશો પાઠવી દીધો હતો . જેને લઈને આજે સવારથી સંસદનું પરિસર યુદ્ધના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું હતું. એક તરફ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં દ્વાર સુધી માર્ચ કાઢવામાં આવી હતી. જે સામે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ પણ આક્રમક ઢબે કોંગ્રેસની લોકોને ગુમરાહ કરતી નીતિનો વિરોધ દર્શાવ્યો હતો. આ ધમાચકડીમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગીને ઇજાઓ પહોંચી હતી. જે બાદ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધી સાથે ભીડી ગયા હતા.
એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધી સામે ઉગ્ર રજૂઆત કરતાં ડો.હેમાંગ જોષીએ ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગી ઉપર પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. ડો હેમાંગ જોષી અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાહુલ ગાંધીને ઇજાગ્રસ્ત ભાજપ સાંસદ પ્રતાપ સારંગી પાસે આવવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના એજન્ડાનો ફુગ્ગો ફોડવા માટે ભાજપના તમામ સાંસદોએ પણ અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં મોરચો ખોલી કાઢ્યો હતો. વડોદરાના સાંસદ સીધા લીડર ઓફ ઓપોઝિશન સાથે આક્રમક ઢબે આમને સામને આવી ગયા હતા.