વડોદરાનું ખાણ-ખનીજ વિભાગ નિષ્ક્રિય: ફ્લાઇંગ સ્કવોર્ડનો દરોડો: મહી નદીમાં રેતી ખનન: રૂ.70 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આવતા મહીસાગર નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનનના કૌભાંડ પર ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા રેડ કરવામાં આવી છે. રેડમાં મોટી સંખ્યામાં લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. ફ્લાઇંગ સ્કવોર્ડની કામગીરીને પગલે વડોદરાનું ખનીજ વિભાગ ઉંઘતું ઝડપાયું છે. રેડ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સાવલી પોલીસનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લા તથા આપસાપમાં ખનીજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં આવેલી છે. ખનીજ સંપત્તિને ગેરકાયદેસર રીતે ઉલેચીને તેમાંથી કમાઇ લેવાની ફિરાકમાં ખનીજ માફિયાઓ સતત સક્રિય રહે છે. ત્યારે આ ગેરકાયદેસર ખનનને પગલે નદીના પટમાં ઉંડા ખાડા પડી જવા, બ્રિજના પાયાને ભવિષ્યમાં નુકશાન થવાની શક્યતાઓ વગેરેનું જોખમ ઉભુ થયું છે. આ ખનન રોકવા માટે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં અવાર નવાર અવાજ પણ ઉઠાવવામાં આવે છે. પણ ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં વડોદરાનું ખાણ-ખનીજ વિભાગ નિષ્ફળ રહ્યું છે. આ વાતની સાબિતી આપતી ઘટના સામે આવી છે. સાવલીના પોઇચા-કનોડા ગામે પસાર થતી મહિસાગર નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનના ચાલતું હતું. આ વાતની જાણ થતા જ ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ગત સાંજે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સપુર્તેની આગેવાનીમાં પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રેડમાં બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન, એક જેસીબી, એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ કબ્જે કરવામાં આવી હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની કિંમત રૂ. 70 લાખ આંકવામાં આવી છે. સુત્રોએ ઉમેર્યું કે, રેડ દરમિયાન કોઇ પણ ખનીજ માફિયા ફ્લાઇંગ સ્કવોર્ડના હાથે લાગ્યો નથી. એ આશ્ચર્ય પમાડે તેવું છે. રેડ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સાવલી પોલીસ મથકનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.