વડોદરાના મંડળે શ્રીજી વિસર્જન માટે બનાવેલા કુંડમાં પાણી ફિલ્ટર કરવાની વ્યવસ્થા, 1800 મૂર્તિઓનું વિસર્જન થશે
Vadodara Ganesh Visarjan : વડોદરામાં આજે ગણેશ વિસર્જન માટે અલગ અલગ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવો બનાવીને વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળે સતત પાંચમા વર્ષે કોર્પોરેશનની જેમ જ પોતાની જાતે વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરી છે. જેમાં આજે રાત સુધીમાં 1800 જેટલી માટીની મૂર્તિઓનું વિસર્જન થાય તેવો અંદાજ છે.
ઈન્દ્રપ્રસ્થ સોસાયટીનુ યુવક મંડળ દર વર્ષે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવે છે. આ માટે એક વિશેષ સ્વિમિંગ પુલને પાણીથી ભરવામાં આવે છે અને તેમાં નાના કદની માટીની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવે છે. આ વખતે આ કુંડમાં પાણીના ફિલ્ટરેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી વિસર્જન બાદ પાણીમાંથી માટી નીકળી જાય અને કુંડમાં પ્રમાણમાં ચોખ્ખુ પાણી જળવાઈ રહે.
આજે આસપાસના વિસ્તારોના ભાવિકો અને યુવક મંડળો મોટી સંખ્યામાં અહીંયા વિસર્જન માટે પહોંચ્યા હતા. ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળના તરંગ શાહે કહ્યું હતું કે, વિસર્જન બાદ માટી તેમજ પૂજાપાની જે પણ સામગ્રી છે તેનો ઉપયોગ બગીચામાં અને ખાતર તરીકે કરવામાં આવશે. બપોર સુધીમાં 600 જેટલી મૂર્તિઓનુ ભક્તિભાવપૂર્વક વિસર્જન થઈ ચુકયું છે અને રાત સુધીમાં 1800 જેટલી મૂર્તિઓનું અહીંયા વિસર્જન થશે તેવો અંદાજ છે.