વડોદરા : દેથાણમાં આવેલા જૈન દેરાસરમાંથી ભગવાનથી દાગીના અને રોકડ મળી 4.20 લાખની ચોરી
Theft in Derasar : કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં નેશનલ હાઇવેને અડીને આવેલા શ્રી શત્રુંજય યુગાદીદેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસર મંદિરમાં રાત્રે ત્રાટકેલી ચોર ટોળકીયે ભગવાનની નવ મૂર્તિઓ પર સોનાના બોર્ડરવાળી ચક્ષુ અને તિલક તેમજ દાનપેટીમાંથી રોકડ મળી કુલ 4.85 લાખની મત્તા ચોરી કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ આદિનાથ ડુપ્લેક્સમાં રહેતા પરિમલ ચિનુભાઈ શાહે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઓએનજીસીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરું છું અને દેથાણ ગામની સીમના શ્રી શત્રુંજય યુગાદીદેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આજે સવારે દેરાસરના મેનેજર અજયભાઈએ મને ફોન કરીને જણાવેલ કે આપણા જૈન દેરાસરમાં રાત્રે ચોરી થઈ છે. મુખ્ય દરવાજાનું તાળું તોડી દેરાસરમાં ભગવાનની મૂર્તિઓના ચક્ષુ તથા કપાળ ઉપરના ટીકાઓ અને દાનપેટીમાંથી રોકડની ચોરી થઈ છે. તો તમે તાત્કાલિક દેરાસર આવી જાવ.
બાદમાં મેં અન્ય ટ્રષ્ટિઓ ગૌતમ હસમુખભાઈ શાહ અને પંકજ રમેશચંદ્ર શાહને ચોરીની વાત કરી અમે ત્રણે દેથાણ ગામે મંદિરે ગયા હતા ત્યારે મંદિરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો અને ભગવાનની મૂર્તિઓ શ્રી આદિશ્વર મૂળનાયક, મુનીસુવ્રત, લોઢન પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, સીમધર સ્વામી ભગવાન, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શાંતિનાથજી ભગવાન, પુંડરિક સ્વામી ભગવાન અને ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ ઉપર સોનાની બોર્ડરવાળી ચક્ષુઓ તેમજ સોનાની બોર્ડર વાળી ડાયમંડથી બનાવેલ તિલક મળી કુલ 4.20 લાખના ભગવાનને ચડાવેલા દાગીના અને દાનપેટી તોડી 65 હજાર રૂપિયા મળી કુલ 4.20 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ બાદ જિલ્લા પોલીસની ટીમ જૈન દેરાસર દોડી ગઈ હતી અને ચોરોને શોધવાની કવાયત હાથ ધરી છે.