Get The App

મધ્ય ગુજરાતના હજારો નાના અને મધ્યમકદના ઉદ્યોગોને ફાયદો થશે : વડોદરાના ઉદ્યોગ સંગઠનો

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
મધ્ય ગુજરાતના હજારો નાના અને મધ્યમકદના ઉદ્યોગોને ફાયદો થશે : વડોદરાના ઉદ્યોગ સંગઠનો 1 - image

વડોદરાઃ કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે રજૂ કરેલા બજેટ-૨૦૨૫માં  ૧૨ લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાતથી સૌથી વધારે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે આ બજેટથી વડોદરાનું ઉદ્યોગ જગત પણ ખુશ છે.કારણકે બજેટમાં એમએસએમઈ (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ)એટલે કે નાના ઉદ્યોગો માટે પણ ઘણી સારી જાહેરાત કરવામાં આવી છે.વડોદરાના ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તેમજ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝના સેન્ટ્રલ ગુજરાત ેચેપ્ટરે પણ આ બજેટને નાના ઉદ્યોગોને રાહત આપનારુ ગણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા અને તેની આસપાસની જીઆઈડીસીઓમાં ૧૫૦૦૦ કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને જો માઈક્રો ઈન્ડસ્ટ્રિઝનો સમાવેશ કરવામાં આવે તો આ સંખ્યા ૩૫૦૦૦ની ઉપર પહોંચે છે.બજેટમાં નાના ઉદ્યોગો માટે ક્રેડિટ લિમિટ વધારીને પાંચ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવાની તથા એક્સપોર્ટ કરતા ઉદ્યોગોને ૨૦ કરોડ રુપિયા સુધીની લોન આપવાની જોગવાઈથી મધ્ય ગુજરાત સહિત ગુજરાતના હજારો ઉદ્યોગોને ફાયદો થશે તેવુ સંગઠનોનું કહેવું છે.ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝે આ બજેટને ૧૦માંથી આઠનો સ્કોર આપ્યો હતો.

યુનિફાઈડ ટ્રેડ પ્લેટફોર્મની જાહેરાત આવકારદાયક

બજેટ એકંદરે વિકાસશીલ છે અને આગામી ૧૦ વર્ષને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું છે.બજેટમાં ઈન્ડિયા પોસ્ટનો ઉપયોગ કરીને લોજિસ્ટિક સુવિધાને બહેતર કરવાની યોજના છે.જો તેનો અમલ થયો તો ઉદ્યોગોને ફાયદો થશે.એક્સપોર્ટ કરતા ઉદ્યોગો માટે યુનિફાઈડ ટ્રેડ પ્લેટફોર્મની જાહેરાત કરાઈ છે.જેના કારણે આવા ઉદ્યોગો માટે પેપર વર્ક ઓછું થશે.લાઈફ સેવિંગ ડ્રગ્સને ડયુટી ફ્રી કરવામાં આવી છે.દવાઓ બનાવતા ઉદ્યોગોને તેનો લાભ મળશે.

તારક પટેલ, એફજીઆઈ પ્રમુખ

એમએસએમઈના દાયરામાં આવતા એકમોની સંખ્યા વધશે 

એમએસએમઈ ક્લાસિફિકેશન માટે રોકાણની મર્યાદા ૨.૫ ગણી  અને ટર્નઓવરની મર્યાદા  ૨ ગણી વધારવામાં આવશે તેવુ બજેટમાં નાણા મંત્રીએ કહ્યુ છે અને તેના કારણે એમએસએમઈ સેકટરને પ્રોત્સાહન મળશે.વધારે ઔદ્યોગિક એકમો એમએસએમઈ સેકટરના દાયરામાં આવશે.

ઋત્વિક પટેલ, સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોન વાઈસ ચેરમેન

ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ માટે વેપારીઓની અપેક્ષા નથી સંતોષાઈ 

ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ અંગે કોઈ પોલીસની જાહેરાત નથી થઈ.જીએસટી સરળ કરવામાં સરકાર ધ્યાન આપશે તેવી આશા છે.એક દેશ અને એક લાઈસન્સની જાહેરાત થશે તેવી અપેક્ષા સંતોષાઈ નથી.તેની સામે નાના વેપારીઓને પાંચ લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ મળશે.સ્ટાર્ટ અપની લોનની મહત્તમ લિમિટ ૧૦ કરોડથી વધારીને ૨૦ કરોડ કરવામાં આવી છે.આવકવેરામાં રાહતના કારણે લોકો પાસે બજારમાં ખરીદી કરવાના પૈસા બચશે અને તેનાથી વેપારીઓને ફાયદો થશે.

પરેશ પરીખ, વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ

બજેટમાં આમ આદમી માટે ઘણી રાહત આપતા પ્રસ્તાવ 

બજેટમાં સામાન્ય માણસો માટે ઘણી રાહતો છે.આવકવેરામાં ૧૨ લાખની આવક સુધી મુક્તિ અપાઈ છે.તેની સાથે કેન્સરની બહારથી આયાત થતી દવાઓ પરથી તમામ ડયુટી હટાવી લેવાઈ છે.કેન્સરના દર્દીઓ માટે નાના શહેરો અને ગામડાઓમાં ૧૦૦ ડે કેર સેન્ટર ખોલવાની જાહેરાત કરાઈ છે.ટીડીએસની મર્યાદા વધારાઈ હોવાથી સિનિયર સિટિઝનોને રાહત મળશે.૧૦ લાખ સુધીની એજ્યુકેશન લોન પર તથા ૬ લાખ સુધીના ભાડા પર ટીસીએસ અને ટીડીએસ  નહીં કપાય.ઉડાન સ્કીમના કારણે નાના શહેરોને પણ એર કનેક્ટિવિટી મળશે.

સંજીવ શાહ, સીએ અને એફજીઆઈ કમિટી  મેમ્બર

ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતા વધે તેના પર ફોકસ

ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતા વધે તેના પર ફોકસ છે.એમએસએમઈને મળતા ક્રેડિટ સપોર્ટમાં વધારો કરાયો છે.ડાયરેકટ ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે બજારમાં વિવિધ વસ્તુઓની માગ વધશે.એમએસએમઈ સેકટરમાં વધુ કંપનીઓનો સમાવેશ થાય તેના પર ભાર મૂકાયો છે.

વારાંગ ત્રિવેદી, સીઆઈઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોન  ચેરમેન

ટેકસમાં રાહતથી દેશની જીડીપીને ફાયદો થશે

કેપિટલ એક્સપેન્ડિચર, સ્ટાર્ટ અપ, શિક્ષણ ક્ષેત્ર,  એમએસએમઈ, તબીબી ક્ષેત્ર,  સંરક્ષણ ક્ષેત્ર એમ તમામ ક્ષેત્ર માટે જોગવાઈ કરાઈ છે.મહિલાઓ, ગરીબ-મધ્યમ વર્ગ, ખેડૂત વર્ગનું પણ ધ્યાન રખાયું છે.ટેક્સમાં રાહત આપીને મધ્યમવર્ગની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થયો છે.જેનાથી જીડીપીમાં વધારો થશે.પંદર લાખની જગ્યાએ હવે ૨૪ લાખ સુધી ૩૦ ટકાનો ટેકસ રહેશે અને તેનાથી કરદાતાઓને પ૦૦૦ રુપિયાથી માડીને ૧.૧૦ લાખ રુપિયા સુધીનો ફાયદો થશે.આ બજેટ માટે ૧૦માંથી ૧૦ માર્ક નાણામંત્રીને આપી શકાય.

મનિષ બક્ષી, આઈસીએઆઈ વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલ પૂર્વ વાઈસ ચેરમેન

નિકાસકારોને પ્રાધાન્ય પણ એમએસએમઈને સીધી કોઈ રાહત નહીં 

૧૦૦૦૦ કરોડ રુપિયાના ફંડની જાહેરાત કરવામાં આવી હોવાથી ૧.૫ લાખ સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે.એમએસએમઈ માટે ક્રેડિટ લિમિટ પાંચથી વધારીને ૧૦ કરોડ રુપિયા કરવામાં આવી છે પરંતુ પહેલા પણ આ યોજના ઝાંઝવાના જળ સમાન સાબિત થયેલી છે.એમએસએમઈને પ્રોત્સાહન આપવા માટે ટેકસમાં રાહતની કે સીધી આર્થિક સહાયની જોગવાઈ બજેટમાં કરાઈ નથી.નિકાસને પ્રાધાન્ય આપવા માટે કસ્ટમ ડયુટી ટેરિફમાં ફેરફારો કરવામાં આવ્યા છે.જેનો સીધો લાભ નિકાસકારોને મળશે.

હિમાંશુ પટેલ, વીસીસીઆઈ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ

ટેકસની સાથે ટીડીએસ અને ટીસીએસમાં પણ રાહત 

બજેટમાં થયેલી જાહેરાત પ્રમાણે નવી સ્કીમ મુજબ બાર લાખ રુપિયા સુધી ૬૦૦૦૦ રુપિયાનુ રિબેટ મળવાપાત્ર કોઈ ટેકસ ભરવાનો નહીં થાય.નોકરીયાતને બીજા ૭૫૦૦૦ની છૂટ મળશે.મોટાભાગના કરદાતાઓને ટેકસના દરથી રાહત મળશે.વિદેશ મોકલાતા ૧૦ લાખ રુપિયા સુધીના નાણા પર ટીસીએસ નહીં લાગે.અપડેટેડ ઈનકમટેકસ રિટર્ન બે વર્ષની જગ્યાએ હવે ચાર વર્ષ સુધી ફાઈલ કરી શકાશે.સિનિયર સિટિઝનોને એક લાખ સુધીની વ્યાજની આવક પર ટીડીએસ નહીં કપાય.

દીપક અમીન, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલટન્ટના સભ્ય


Google NewsGoogle News