વડોદરામાં 2019માં વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી તારાજી જેવા દૃશ્યો ફરી સર્જાયા
Vadodara Rain: વડોદરામાં બુધવારે પડેલા વરસાદે 2019ના દૃશ્યોની યાદ તાજી કરી દીધી હતી. 31 જુલાઈ 2019માં વડોદરામાં 24 જ કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો અને તેના કારણે વડોદરાનો મોટા ભાગનો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ જ પ્રકારના દૃશ્યો આજે ફરી માત્ર 9થી 10 ઇંચ વરસાદમાં જોવા મળ્યા હતા.
આ વખતે માત્ર 8 ઈંચ વરસાદમાં જ શહેર પાણીમાં ગરકાવ
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ પડયો હતો. વડોદરાનો કોઈ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયા હોય. આ સમયે લોકોએ 2019ના વરસાદને યાદ કર્યો હતો અને સાથે સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે, 2019માં 20 ઇંચ જેટલો વરસાદ ગણતરીના કલાકોમાં ખાબક્યો હતો અને તેના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આજે તો સવારથી સાંજ સુધીમાં એટલે કે 12 કલાકમાં તેના કરતાં પણ અડધો વરસાદ પડયો છતાં વડોદરામાં 2019ની જેમ પાણી ભરાઈ ગયા હતા.
જેના કારણે એવું લાગે છે કે, વડોદરામાં પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા છે તે સાવ નિષ્ફળ પુરવાર થઈ છે. હકીકતમાં વડોદરામાં પાણીના નિકાલ કરવાના માટેના જેટલા રસ્તા છે તે ઓછા ને ઓછા થઈ રહ્યા છે તેના કારણે ઓછા વરસાદમાં પણ વધારે પાણી ભરાઈ ગયા છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે અહીં ભારેથી અતિભારે વરસાદના એંધાણ