MDH-એવરેસ્ટના મસાલામાં કેન્સરના તત્વોની ચેતવણી છતાં વડોદરા આરોગ્ય વિભાગે નમૂના લેવાની તસ્દી લીધી નહીં
Image: Freepik
-કોર્પોરેશનની લેબોરેટરીમાં પેસ્ટીસાઈડનો ટેસ્ટ કરવાની મશીનરી ઉપલબ્ધ ન હોવાથી તંત્ર હાથ પર હાથ મૂકી બેસી રહ્યું
હોંગકોંગ અને સિંગાપોરમાં ખાદ્ય નિયમનકારોએ પોતાના નાગરિકોને એમડીએચની ત્રણ અને એવરેસ્ટની એક પ્રોડક્ટનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. આ મસાલામાં ઈથીલીન ઓક્સાઇડનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી કેન્સર જેવી ઘાતક બીમારીઓનું કારણ બની શકે તેવી શક્યતાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરની ખાદ્ય નિયમનકારોએ લોકોને ચેતવણી આપી છે પરંતુ તે ગંભીર પરિસ્થિતિથી બેઅસર પાલિકાના તંત્રએ છેલ્લા એક સપ્તાહમાં એમડીએચ કે એવરેસ્ટના મસાલાના સેમ્પલ લેવાની તસ્દી દીધી નથી.
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એ ઇથિલીન ઓક્સાઇડને "ગ્રુપ ૧ કાર્સીનોજેન" તરીકે વર્ગીકૃત કર્યું છે. તેની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલ નિવેદનમાં, હોંગકોંગના ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટી સેન્ટર ફોર ફૂડ સેફટીએ જણાવ્યું હતું કે, એમડીએચના ત્રણ મસાલા ઉત્પાદનો મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા અને કરી પાવડર મિશ્ર મસાલા પાવડર તથા એવરેસ્ટ ફીશ કરી મસાલા "જંતુનાશક, ઈથીલીન ઓક્સાઇડ" સમાવે છે. સીએફએસએ હોંગકોંગના ત્રણ રિટેલ્સ આઉટલેટસમાંથી ઉત્પાદનો લીધા, તેના પરીક્ષણના પરિણામો દર્શાવે છે કે, નમૂનાઓમાં જંતુનાશક, ઈથીલીન ઓક્સાઇડ છે. સીએફએસના જણાવ્યા મુજબ, નિયમનકારે વિકેતાઓને વેચાણ બંધ કરવા અને ઉત્પાદનોને દૂર કરવા અને માર્કેટમાંથી પરત લઈ લેવાના નિર્દેશ આપ્યા છે. દરમિયાન સિંગાપુર ફૂડ એજન્સીએ એવરેસ્ટ ફીસ કરી મસાલાને "નિર્ધારિત મર્યાદાઓથી વધુ" ઈથીલીન ઓક્સાઇડની સામગ્રીને કારણે પરત લેવાનો આદેશ આપ્યો હતો.
યુએસ એન્વાયર્ન મેન્ટલ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા અનુસાર, "ઇથીલીન ઓક્સાઇડ મનુષ્યમાં કેન્સરનું કારણ બને છે" આમ જાણીતી બે બ્રાન્ડની અલગ અલગ ત્રણ પ્રોડક્ટ આરોગવાથી મનુષ્યના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બંને તેવી શક્યતા છે. સમગ્ર ઘટનાથી પાલિકાનું આરોગ્ય તંત્ર જે સંપૂર્ણ માહિતગાર છે છતાં તેઓ દ્વારા વડોદરા શહેરમાંથી કોઈપણ જગ્યાએ એમડીએચ કે એવરેસ્ટના મસાલાના સેમ્પલ લેવામાં આવી રહ્યા નથી.
આરોગ્ય વિભાગના સૂત્રોનું જણાવવું છે કે, કોર્પોરેશનની લેબોરેટરીમાં આવી હજી કોઈ મશીનરી ઉપલબ્ધ નથી જેમાં પેસ્ટીસાઈડનો ટેસ્ટ થઈ શકે. ક્યારેક રાજ્ય સરકારની સૂચના આવે ત્યારે તેઓની સૂચનાના આધારે આવા સેમ્પલ લઇ ગવર્મેન્ટમાં મોકલવામાં આવતા હોય છે. પરંતુ હાલ આવી કોઈ સૂચના મળી નથી. ત્યારે પાલિકાની આવી નીતિથી એમડીએચ અને એવરેસ્ટના મસાલા આરોગનારાઓએ પોતાની જાતે સ્વાસ્થ્યની ચિંતા કરવી રહી.