Get The App

વડોદરામાં 1994 થી અત્યાર સુધીમાં આઠ વખત પૂર આવ્યા, દરેક વખતે પૂરની તાસીર અલગ-અલગ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
વડોદરામાં 1994 થી અત્યાર સુધીમાં આઠ વખત પૂર આવ્યા, દરેક વખતે પૂરની તાસીર અલગ-અલગ 1 - image


Vadodara Corporation : વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને રોકવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટનો જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે અંગે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા ના કહેવા મુજબ આ રિપોર્ટ અધૂરો છે. 1994 થી અત્યાર સુધીમાં વડોદરામાં આઠ વખત પુર આવ્યા છે, અને દરેક વખતે પૂરની તાસીર અલગ અલગ જોવા મળી છે. આ રિપોર્ટમાં ગત ચોમાસામાં ઓગસ્ટ માસમાં વડોદરામાં જે પૂર આવ્યું તેનો આધાર લેવામાં આવેલો છે, પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં આવેલા પૂરના કારણો જુદા હતા. જુલાઈ મહિનાનું પૂર સ્થાનિક હતું એટલે કે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા તેના લીધે પૂર આવ્યું હતું. જ્યારે ઓગસ્ટનું પૂર વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાંથી પાણી છોડાતા તેના કારણે આવ્યું હતું. વડોદરામાં સમગ્રતયા એટલા જ વરસાદમાં ડુબાણમાં જતા વિસ્તારો વધ્યા છે, તેનું કારણ એ કે વરસાદી કાંસો, તળાવો અને વિશ્વામિત્રીની નદીના કોતરોમાં પુરાણ થઈ ગયા છે. જો આ તળાવ, કોતરો અને કાંસો ખોલી નાખવામાં આવે તો આ કરોડોના પ્રોજેક્ટની કોઈ આવશ્યકતા જ ઊભી ન થાય. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા નદીનો પટ પંદર દિવસમાં જાહેર કરવા કહ્યું હતું, પરંતુ આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં નદીનો પટ જાહેર થઈ શક્યો નથી. નદીનું ડીમાર્કેસન થઈ શક્યું નથી એટલે નદીની ટેરીટરી ડિક્લેર કરવાની જરૂર છે. નદીને તેના મૂળ સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે શહેરીકરણની પ્રક્રિયાના કારણે નદીની પાણીની વહન કરવાની શક્તિ ઓછી થઈ ગઈ છે, પરંતુ આ શક્તિ શેના કારણે ઓછી થઈ તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. નવા તળાવ બનાવવાની વાત કરવામાં આવે છે. રિપોર્ટમાં 88 તળાવનો ઉલ્લેખ છે, જ્યારે ઈએલઆઈઆર નકશા મુજબ વડોદરામાં 135 તળાવો છે. આ તળાવ ખોલવાની આવશ્યકતા છે, જે તળાવ આડેધડ પરવાનગી આપીને પુરાઈ ગયા છે, અને તેના માટે જવાબદારો સામે પગલાં લેવાની કોઈ વાત રિપોર્ટમાં નથી, એમ તેમણે ઉમેર્યું હતું.


Google NewsGoogle News