માસૂમોના મોત માટે જવાબદાર કોણ? 12ની ક્ષમતા સામે 27ને હોડીમાં બેસાડ્યા, સેવઉસળની લારીવાળો ચલાવતો હતો
વડોદરામાં હરણી તળાવમાં ડુબી જતા 13 માસૂમો અને બે શિક્ષકના મોત મામલે કોન્ટ્રાક્ટરની ત્રણ બેદરકારી સામે આવી
Vadodara Boat Tragedy : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવ (Lake Boat Accident)માં મોટી હોનારત સર્જાઈ હતી. જેમાં અત્યાર સુધી 2 શિક્ષિકાઓ અને 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 15ના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનામાં હોડીના કોન્ટ્રાક્ટર કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે. 12 બેઠકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 27 લોકોને બેસાડ્યા હોવાનો તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હોવાની વિગતો સામે આવી છે. હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ હોવાનો ખુલાસો થયો છે.
12ની ક્ષમતા સામે 27ને હોડીમાં બેસાડ્યા
જ્યારે ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા 10થી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’
સેવઉસળની લારીવાળો ચલાવતો હતો
હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે હોવાની વિગતો સામે આવી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડુબી જવાની ઘટનામાં સેવઉસળની લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે.
મૃતક વિદ્યાર્થીઓ
- સકીના શેખ
- મુઆવજા શેખ
- આયત મન્સૂરી
- અયાન મોહમ્મદ ગાંધી
- રેહાન ખલીફા
- વિશ્વા નિઝામ
- જુહાબિયા સુબેદાર
- આયેશા ખલીફા
- નેન્સી માછી
- હેત્વી શાહ
- રોશની સૂરવે
- મૃતક શિક્ષિકાઓ
- છાયા પટેલ
- ફાલ્ગુની સુરતી
82 વિદ્યાર્થી હરણી તળાવ ફરવા આવ્યા હતા
મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
આ અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકના પરિજનોને PM રાહત ફંડમાંથી 2 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય જાહેર કરાઈ છે.