Get The App

વડોદરાની હોડી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારનો મોટો આદેશ, ઉચ્ચકક્ષાએ થશે તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
વડોદરાની હોડી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારનો મોટો આદેશ, ઉચ્ચકક્ષાએ થશે તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે 1 - image


Vadodara Boat Accident : વડોદરાના હરણી તળાવમાં હોડી પલટવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વડોદરાના વાઘોડીયાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવની હોડીમાં સવાર હતા. આ દરમિયાન હોડી પલટી ગઈ હતી. દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત કુલ 15 લોકોના કરૂણ મોત થયા છે. આઠ જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી ચૂકાયું છે અને ત્રણથી ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરણી તળાવ પહોંચ્યા હતા. અહીં તેમણે રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી અને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે હરણી તળાવ દુર્ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ મુજબ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને આ દુર્ઘટનાની તપાસ સોંપાઈ છે. જેનો વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો આદેશ અપાયો છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય

તારીખ 18 જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના હરણી તળાવમાં હોડીિંગ કરવા માટે ગયેલા સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની બેટ પલટી જતા બાળકો તેમજ શિક્ષકો તળાવમાં ડૂબી ગયા છે. તે પૈકી કેટલાક બાળકો અને શિક્ષકોનું દુઃખદ મૃત્યુ થયું છે.

- પુખ્ત વિચારણાને અંતે આ ગંભીર બનાવના સંબંધમાં સરકારે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય કરીને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને નીચેના મુદ્દાઓ પરત્વે વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે.

1. કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બન્યો છે.

2. આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઈ ઈજારદાર કે અન્ય કોઈની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ,

3. ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ.

- વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટએ આ બાબતમાં વિગતવાર તપાસ કરીને આ અંગેનો અહેવાલ 10 દિવસમાં સરકારને સોંપવાનો રહેશે.

- તપાસના સંબંધમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ અન્ય સંબંધિત એજન્સીઓએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને પૂરતો સહયોગ આપવાનો રહેશે તેમજ જરૂરી વિગતો-દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે.

વડોદરાની હોડી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારનો મોટો આદેશ, ઉચ્ચકક્ષાએ થશે તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે 2 - image

હોડી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંત્વના આપી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X' પર પણ સાંત્વના આપતા કહ્યું હતું કે, 'વડોદરાના હરણી તળાવમાં હોડી પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા હોડીમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.'

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું

વડોદરામાં બનેલી આ દુર્ઘટના પર પીએમઓ તરફથી 'X' પર લખ્યું કે, 'વડોદરાના હરણી તળાવમાં હોડી પલટવાથી થયેલી જાનહાનિથી વ્યથિત છું. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઘાયલોને શીધ્ર સ્વસ્થ થાય. સ્થાનિક પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપી રહ્યા છે. તેમની સાથે જ પીએમઓ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દરેક મૃતકના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 ની આર્થિક સહાય કરવામાં આવશે.'



Google NewsGoogle News