વડોદરાનું ભયાનક પૂર 'કુદરત' નહીં પણ 'કોર્પોરેશન' ની બેદરકારીનું પરિણામ, વિપક્ષના નેતાએ રોષ ઠાલવ્યો
પૂરની સ્થિતિ વારંવાર સર્જાય છે છતાં સરકાર બોધપાઠ નથી લેતું અને તારાજી સર્જાય છે
Vadodara Flood Updates | વડોદરાનું વિનાશક પૂર એ કુદરત સર્જિત નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં 30 વર્ષથી બેઠેલા શાસકોના ભ્રષ્ટાચાર, ગેરવહીવટી, ગેરકાયદે બાંધકામો જવાબદાર છે અને કોર્પોરેશન તથા સરકાર સર્જિત આ પૂર છે, તેવા આક્ષેપ ગુજરાત વિધાનસભાના વિરોધી પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્યે કર્યો છે.
વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત આવે તારાજીની વિગતો મેળવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કુદરત રુઠે અને વરસાદનો પ્રકોપ થાય, પરંતુ વારંવાર એક જ વાતના કારણે લોકોને નુકસાન વેઠવું પડે તે માટે કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો જવાબદાર છે.
લોકોએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કાંઇ પહેલીવારનું નથી. દર વર્ષે વરસાદ ખાબકે ત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. ગત જુલાઇમાં પણ વડોદરામાં પૂર આવ્યું હતું. વારંવાર પૂરપ્રકોપ થાય છે, છતાં સરકારે કોઇ શીખ નહીં લેતા આ તારાજી સર્જાઇ છે, એમ તેમણે કહ્યું હતું.
વિપક્ષના નેતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિશ્વામિત્રી નદીમાં દબાણોને કારણે નદીની વહનક્ષમતા ઘટી ગઇ છે, વહેણ બદલાઇ ગયું છે, અને તેના લીધે આ તારાજી થઇ છે. પ્રજાના ટેક્સના નાણા શાસકો પ્રજા માટે વાપરતા નથી, અને પૂર રોકવા કોઇ આયોજન કરતા નથી.