ગુજરાત રિફાઈનરીમાં આગની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટિ બનાવાઈ, પ્રોડકશન રાબેતા મુજબ ચાલુ
Vadodara Fire in Refinery : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી ભીષણ આગ સોમવારે મધરાત બાદ બૂઝાઈ હતી. જેનાથી વડોદરાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ દુર્ઘટનાએ રિફાઈનરીની કામગીરી પર સંખ્યાબંધ સવારો ઉભા કર્યા છે. બીજી તરફ ગુજરાત રિફાઈનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ હજી જાહેર કરવામાં આવ્યું નથી. આ દુર્ઘટનાની તપાસ માટે રિફાઈનરી દ્વારા એક ઉચ્ચ સ્તરીય કમિટિ બનાવવામાં આવી હોવાનુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
વધું વાંચો : આખરે 12 કલાકની જહેમત બાદ રાતે 3 વાગે રિફાઈનરીની આગ પર કાબૂ, તંત્રએ રાહતનો શ્વાસ લીધો
જોકે આ કમિટિ ક્યારે અહેવાલ આપશે તેની જાણકારી આપવામાં આવી નથી. ઉપરાંત રિફાઈનરીના સત્તાધીશોએ કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં મોતને ભેટનાર કોન્ટ્રાક્ટના બે કર્મકારીઓના પરિવારોને રિફાઈનરી દ્વારા યોગ્ય સહાય પૂરી પાડવામાં આવશે.
સત્તાધીશોનું કહેવું છે કે, સ્ટોરેજ ટેન્કને બાદ કરતા પ્લાન્ટમાં અન્ય કોઈ જગ્યાએ નુકસાન થયું નથી. અન્ય કર્મચારીઓ પણ સુરક્ષિત છે અને રિફાઈનરીનું પ્રોડકશન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. રિફાઈનરી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ પણ બહારથી બોલાવવામાં આવી છે. જે દુર્ઘટના સ્થળની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં સોમવારે બપોરે ૩ વાગ્યે ધડાકા સાથે આગ લાગી હતી. આ આગના સપાટામાં બીજી ટેન્ક પણ આવી હતી અને તેમાં પણ આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ દ્વારા રાત્રે બે વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવતા તંત્રના જીવમાં જીવ આવ્યો હતો.
વધું વાંચો : વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે, આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ ઉદ્યોગો