વડોદરાના સુભાનપુરાની હોસ્પિટલમાં વિધર્મી સહકર્મીએ યુવતી પર આચર્યું દુષ્કર્મ, પોલીસ તપાસ તેજ
Vadodara Rape Case : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી ઉપર સહકર્મી વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. ગોરવા પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં 20 વર્ષની પીડિત યુવતી છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. જેની સાથે હોસ્પિટલમાં જ મેડિકલ ક્લિયરન્સનું કામ કરતા અને હોસ્પિટલમાં રહેતા અસરફ જીણાભાઈ ચાવડા નામના વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે.
વીજ પુરવઠો ખોરવાયો અને...
મળતી માહિતી અનુસાર, તા.15મી જાન્યુઆરીના રોજ વાસી ઉતરાયણના દિવસે યુવતી ફરજ પર હતી. તે સમયે હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ દરમિયાન દર્દીને શિફ્ટ કરવાના બહાને વિધર્મી યુવકે ઓપરેશન થિયેટરમાં આવેલી એક રૂમમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ ગોરવા પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો, અને હોસ્પિટલમાં લાગેલ સીસીટીવી ફૂટેજ સહિતના મહત્વના પાસા તપાસી રહી છે.
પેશન્ટ શિફટ કરવાના બહાને ઉપર લઈ ગયો
પીડિતાના મામાના દીકરાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે 'મારી બહેન એકાદ વર્ષ પૂર્વથી હોસ્પિટલમાં કામ કરે છે. વાસી ઉત્તરાયણની સાંજે લાઈટ ગઈ હતી ત્યારે દર્દીને શિફટ કરવાના બહાને અસરફ મારી બહેનને ઉપર લઈ ગયો હતો. જો કે પેશન્ટ તો શિફ્ટ થઈ ગયો હતો. બહેન ઉપર ગયા બાદ નીચે આવતી હતી ત્યારે તેને પાછળથી પકડી લીધી હતી, અને તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો, ત્યાં તેણે દુષ્કર્મ આચર્યું. તેના ભાઈએ એક વર્ષ અગાઉ આપઘાત કર્યો છે. આમ છતાં તેણે આટલું કહેવાની હિંમત કરી તે મોટી વાત છે. કોઈ પણ છોકરીને તેની ઈજ્જતની બહુ પડી હોય છે. આવું ખોટું થયું હોય તે કહેતા બહુ જ વિચાર કરે'.
વડોદરામાં અવારનવાર વિધર્મીઓ દ્વારા બળાત્કારના વધતા કિસ્સા
અઢી મહિના અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે બળાત્કાર થયાની ફરિયાદ કરવામાં આવી હતી. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ તે દબાણ કરતો હતો. ભાયલી ગામ અને ભાયલી ફાટકની વચ્ચેના અવાવરૂ વિસ્તારમાં નવરાત્રીના પર્વ દરમિયાન 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. આરોપીઓમાંથી ત્રણ વિધર્મી હતા. ગત વર્ષે મે મહિના દરમિયાન ડીસા ખાતેના એક ગામની યુવતીએ વડોદરાના વિધર્મી યુવકના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ઘટી હતી. જેમાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મ ગુજારીને તેને સતત બ્લેકમેલ કરતો હતો.
વિધર્મી અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીની હેરાનગતિ
શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલી આધાર હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સપાટી પર આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં આ બીજી ઘટના છે જેમાં વિધર્મીની સંડોવણી સામે આવી છે. આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક પર પણ વિદ્યાર્થિનીને અને તેની જ કોમની મિત્રને હેરાન કરવા બદલ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેના પગલે અધ્યાપક ડો.અઝહર ઢેરીવાલાની ધરપકડ કરાઈ હતી. વિ.એચ.પી. અને આરએસએસ સહિતના હિન્દુવાદી સંગઠનોમાં પણ આવી ઘટનાઓને લઈને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.