પુત્રની સાયકલ લઇ પરત ફરતા અકસ્માતમાં પિતાનું કરુણ મોત
Vadodara Accident : વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામથી રોપા ગામ વચ્ચેના રોડ ઉપર સામેથી આવતા એક સ્કૂટરે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર તેમજ અકસ્માત કરનાર સ્કૂટર પર બેસેલ બે શખ્સોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામના મૂળ વતની સંજય રાજુભાઈ પરમાર ઉંમર વર્ષ 27 હાલ રોપા ગામ પાસે શ્રીમ વિલા નામની નવી સાઇટ ઉપર રહે છે અને ત્યાં ચણતરનું કામ કરે છે. તારીખ 9 ના રોજ સાંજે તેઓ તેમના બે વર્ષના પુત્ર રિયાંશને સાથે લઈ કન્સ્ટ્રકશન સાઈટના એન્જિનિયર દીપ જયેન્દ્રકુમાર ઠક્કર સાથે વાઘોડિયા ખાતે પુત્રની સાયકલ લેવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે રોપા ગામ પાસે સામેથી આવતા એક સ્કૂટરે જોરદાર ટક્કર મારતા બાઈક અને સ્કૂટર પર બેસેલા શખ્શો રોડ ઉપર ફગોળાયા હતા. આ અકસ્માતમાં સંજય પરમારનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એન્જિનિયર દીપ ઠક્કરને તેમજ અકસ્માત કરનાર સ્કૂટર પર બેસેલા બંને શખ્સોને પણ ઈજા થઈ હતી. આ અકસ્માતમાં બે વર્ષના રિયાંશનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવ અંગે વાઘોડિયા પોલીસે નરેશ શંકર પરમારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.