વાઘોડિયા રોડ પર રહેતા પરિવારના ૧૯ સભ્યો શ્રીનગરમાં અટવાયા
વડોદરાઃ પહેલગામમાં તા.૨૨ એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના કારણે દેશભરમાં રોષ અને આક્રોશ છે.બીજી તરફ અત્યારે કાશ્મીરમાં છે તેવા પ્રવાસીઓ ગમે તે ભોગે હવે વતન પાછા ફરવા માગે છે.આ સ્થિતિમાં વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના ૧૭ લોકોનું ગુ્રપ શ્રીનગરમાં અટવાયું છે અને તેમણે પાછા ફરવા માટે સરકારની અને વડોદરાના સાંસદની મદદ માગી છે.
મળતી વિગતો પ્રમાણે વાઘોડિયા રોડ પર રહેતા પરમાર પરિવારના સભ્યો અને સબંધીઓ મળીને ૧૯ લોકો તા.૧૬ના રોજ વડોદરાથી શ્રીનગર પહોંચ્યા હતા.તેઓ શ્રીનગરમાં મોરારીબાપુની રામ કથા સાંભળવાની સાથે ફરવા માગતા હતા.
આ પરિવારના એક સભ્ય જયેન્દ્રભાઈ પરમારે કહ્યું હતું કે, અમારી તા.૨૪ એપ્રિલે જમ્મુથી ટ્રેનની ટિકિટ હતી.પરંતુ આતંકવાદી હુમલા બાદ ચારે તરફ ચેકિંગ ચાલી રહ્યું છે અને આજે બંધના એલાનના પગલે શ્રીનગર બંધ હોવાથી જમ્મુ પહોંચી શકાય તેવી સ્થિતિ નથી રહી.અમને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમે શ્રીનગરમાં જ રોકાણ કરો.અમે અહીંથી ક્યારે નીકળી શકીશું તેની અમને ખબર નથી અને એટલે જ અમે સાંસદને અને સરકારને અપીલ કરી છે.
દરમિયાન સાસંદે કહ્યું હતું કે, તેમના ભોજનની અને બીજી વ્યવસ્થા થઈ છે.તેમને વહેલી તકે વડોદરા પરત લાવવામાં આવશે.