વડોદરામાં 30 વર્ષમાં 11 વખત પૂર : પૂરના પાણીના નિકાલ માટે વિશ્વામિત્રી અને વરસાદી કાંસો પરના દબાણો તોડવા મુખ્યમંત્રીને રજૂઆત
Flood in Vadodara : ગુજરાતના મુખ્યમંત્રીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાએ પત્ર લખીને રજૂઆત કરી છે કે છેલ્લા 30 વર્ષમાં વિશ્વામિત્રી નદી કાંઠે તેમજ નદીના પૂરના મેદાનમાં એટલે કે પટમાં બાંધકામોને જે મંજૂરી આપવામાં આવી છે અને તેના લીધે જે દબાણો થયા છે. તેનાથી પાણીનો નિકાલ નહીં થતાં છેલ્લા 30 વર્ષમાં 11 વખત પૂર આવ્યા છે. આ પત્રમાં તેમણે વધુમાં લખ્યું છે કે 1994 થી એટલે કે છેલ્લા 30 વર્ષમાં વિશ્વામિત્રી નદી કે જેનું રેડ એલર્ટ લેવલ 26 ફૂટ છે તે 11 વખત વટાવી ચુક્યું છે.
વર્ષ મુજબ જોઈએ તો 1994, 1998, 2003, 2005, 2006, 2008, 2014, 2016, 2019 અને 2024 નો સમાવેશ થાય છે. વર્ષ 2024 માં જુલાઈ અને ઓગસ્ટ એમ બંને મહિનામાં 26 ફૂટનું લેવલ ક્રોસ કરી ગયું હતું. આમ, લગભગ દર બે-ત્રણ વર્ષે વડોદરામાં પૂર આવે છે. આ વખતે પણ વિશ્વામિત્રીના પૂરના મેદાનમાં બાંધકામોના દબાણોને લીધે પૂર આવ્યા છે, અને આ પૂર અત્યાર સુધી જે વિસ્તારોમાં કોઈ અસર ન થતી હતી ત્યાં પણ પૂરના પાણી પ્રવેશ્યા હતા. ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદનું પ્રમાણ અનિયમિત બન્યું છે, જેની સામે તંત્ર દ્વારા પાણીના નિકાલ આડેના અવરોધો અને અતિક્રમણો દૂર કરવામાં નહીં આવે તો દર બે ત્રણ વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી રહેશે.
તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે વડોદરામાં બાંધકામો તોડવાનો જે કાટમાળ નીકળે છે, તે પણ નદી કાંઠે ડમ્પિંગ કરવામાં આવે છે. જેના લીધે નદીનું વહેણ સાંકડું થઈ ગયું છે. વિશ્વામિત્રી નદી ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે વડોદરામાં ગાયકવાડી શાસન વખતના ત્રણ કુદરતી વરસાદી કાંસ છે. ભૂખી, મસિયા અને રૂપારેલ આ સ્થળોએ પણ દબાણો થઈ ગયા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ પણ વિશ્વામિત્રીના નદીના પટમાં થયેલા ગેરકાયદે બાંધકામો અંગેનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો.