વડોદરા: અંબિકા નગરમાં સપ્તાહથી દૂષિત પાણીથી રોગચાળો: રહીશો મતદાન બહિષ્કાર કરશે
Image Source: Freepik
વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલ અંબિકા નગરમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી વિતરણની ખોરવાયેલી વ્યવસ્થા બાદ છેલ્લા સપ્તાહથી મળી રહેલું પાણી અત્યંત દુષિત અને દુર્ગંધવાળું હોવાથી અહીં રહેતા કેટલાક લોકો રોગચાળાના ભરડામાં આવી ગયા છે. જેથી આ મામલે તેઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.
શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલ અંબિકા નગરમાં પાણીની ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ છે. પાણીની માંગથી કંટાળેલા અહીંના રહીશો આજે એકઠા થયા હતા અને તેઓએ તંત્રની નિષ્ફળ કામગીરી મામલે અનેક આક્ષેપો કર્યા હતા. અહીંના રહીશોએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના અગાઉ અહીં પાણી ખૂબ જ અનિયમિત અને અત્યંત લો પ્રેસરથી આવતું હતું. છેલ્લા એક અઠવાડિયાથી પાણી થોડું પ્રેસરથી આવી રહ્યું છે પરંતુ તે ખૂબ જ દુષિત અને લીલ જેવા રંગનું છે. તેમજ પાણીમાં દુર્ગંધ મારી રહી છે. છેલ્લા સપ્તાહથી આવું દૂષિત પાણી વિતરણ કરાતું હોવાથી અહીં રહેતા બાળકો સહિત 8થી 10 જેટલા લોકોને ઝાડા ઉલટીની તકલીફ ઊભી થઈ હતી. કેટલાકને તો હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. રહીશોએ જણાવ્યું કે, અમે પાણીની સમસ્યા અંગે તંત્રને અમારી રજૂઆત કરી છે પરંતુ તેનો નિવેડો આવી રહ્યો નથી. તંત્ર અમને કોઈ સહકાર આપતું નથી તેના કારણે અમે ચૂંટણી બહિષ્કાર કરવાનું પણ મન બનાવી લીધું છે.