વડોદરા શિક્ષણ સમિતિની મુસ્લિમ શાળાઓનો સમય ઘટાડવાના પરિપત્રનો વિવાદ થતાં રદ કરાયો
Vadodara : રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કેટલીક શાળાઓના સમયમાં ઘટાડો કર્યો હતો. ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં આવેલી શાળાઓનો સમય ઘટાડી દેવામાં આવ્યો હતો, જેના કારણે ભારે વિવાદ થયો હતો. આગામી પરીક્ષાના બહાના હેઠળ શિક્ષણ સમિતિએ તમામ શાળાઓના સમયમાં ફેરફારના તમામ પ્રકારના પરિપત્રો રદ કરી દીધા છે અને રાબેતા મુજબ શાળાનો સમય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તા.2 માર્ચથી મુસ્લિમોનો પવિત્ર રમઝાનમાં શરૂ થયો છે. જેને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મુસ્લિમ વિસ્તારમાં આવેલ કેટલીક શાળાના સમયમાં ફેરફાર કર્યો હતો અને તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાઓના સમયમાં જે ફેરફાર કર્યો હતો તેના કારણે ભારે વિવાદ થયો હતો અને ખાસ કરીને જ્યારે પાલિકામાં ભાજપનું બોર્ડ હોય ત્યારે અનેક આક્ષેપો પણ શરૂ થયા હતા. આખરે ગતરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી બેઠકમાં શાળાના સમય અંગે સભ્યોએ મનોમંથન કર્યું હતું અને તે બાદ ઠરાવ કરવામાં આવ્યો હતો કે, "આગામી દિવસોમાં શરૂ થનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને તથા બાળકોના ભણતરને નુકસાન ન પહોંચે તેના કારણે શાળામાં સમય શાળાના સમયમાં ફેરફારના તમામ પરિપત્રો રદ કરી દેવામાં આવે છે". આ ઠરાવના આધારે કેટલીક શાળાના સમયમાં જે ઘટાડો (ફેરફાર) કરવામાં આવ્યો હતો તે પણ આપોઆપ દૂર થઈ ગયો છે. આમ સમગ્ર બાબતે વિવાદ ઉભો થયા પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં હવે એક સરખો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.