વડોદરાઃ વીજળીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો મધરાતે ધારાસભ્યના ઘરે હલ્લો, ઉંઘમાંથી ઉઠાડી રજૂઆત કરાવી

Updated: May 21st, 2024


Google NewsGoogle News
વડોદરાઃ વીજળીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો મધરાતે ધારાસભ્યના ઘરે હલ્લો, ઉંઘમાંથી ઉઠાડી રજૂઆત કરાવી 1 - image


છેલ્લા ત્રણ દિવસથી હીટવેવના કારણે રાત્રે પણ તાપમાનનો પારો 30 ડિગ્રી કરતા વધારે રહેતો હોય છે અને તેવા સંજોગોમાં રાત્રે પાંચ પાંચ કલાક સુધી વીજ પૂરવઠો ખોરવાતો હોવાના કારણે તાંદલજા, સન ફાર્મા રોડ, વાસણા અને અકોટા વિસ્તારના રહેવાસીઓએ સોમવારની મધરાતે  બે વાગ્યે અકોટા વિસ્તારના ધારાસભ્યની ઘરે પહોંચી ગયા હતા અને તેમને ઉઠાડીને વીજ કંપનીના અધિકારીઓ સાથે ફોન પર વાત કરવાની ફરજ પાડી હતી.

આ પહેલા લોકોએ અકોટા વિસ્તારની વીજ કંપનીની કચેરીમાં સિક્યુરિટી કેબિનના કાચની તોડફોડ પણ કરી હતી અને વાયરોની આગચંપી કરી હતી.

લોકોનુ કહેવુ હતુ કે, એક સપ્તાહથી રોજ રાત્રે 10 વાગ્યે વીજળી ગુલ થાય છે અને સવારે ચાર વાગ્યે આવે છે. ગરમીના કારણે લોકોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે તેવા સંજોગોમાં જો લાઈટ પંખા નહીં ચાલતા હોય અને કોઈનુ ગરમીમાં મોત થઈ જશે તો જવાબદાર કોણ? અકોટા કચેરી ખાતે ફોન કરીએ છે તો કોઈ ફોન જ નથી ઉઠાવતુ, હવે તો ફોનમાંથી કર્મચારીઓ વાયર જ કાઢી નાંખે છે. જીઈબીના અધિકારીઓ જવાબ આપે છે કે, નવુ વાયરિંગ કરી રહ્યા છે.

તાંદલજા નજીક રાજીવ નગરમાં રહેતા એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, મારી માતા હાર્ટ પેશન્ટ છે અને ઘરમાં જ તેમની સારવાર માટે મેડિકલ ઈક્વિપમેન્ટ લાવ્યા છે પણ ત્રણ દિવસથી સતત વીજળી જતી હોવાથી આ ઈક્વિપમેન્ટ કામ નથી કરી રહ્યા અને તેના કારણે મારે મારા માતાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડયા છે. અન્ય એક વ્યક્તિએ રજૂઆત કરી હતી કે, મારી સોસાયટીમાં ત્રણ મહિલાઓએ તાજેતરમાં જ નવજાત બાળકોને જન્મ આપ્યો છે અને ગરમીમાં વીજળી વગર તેમની શું હાલત થતી હશે તે તમે કલ્પી શકો છો.



Google NewsGoogle News