ભારે શોરબકોર અને વિરોધ વચ્ચે વડોદરા જિલ્લા પંચાયતનું 38 કરોડનું બજેટ મંજૂર,કોંગ્રેસના સૂચનો ફગાવ્યા
વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી જનરલ મીટિંગમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ કરતાં ભારે શોરબકોર વચ્ચે ૩૮ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર થયું હતું.બજેટમાં વિકાસ માટે રૃ.૪.૫૦ કરોડ,આંગણવાડીઓ ના બાળકો માટે રૃ.૬૫ લાખ,આરોગ્ય અને બાંધકામ માટે રૃ.૫૦-૫૦લાખ ફાળવ્યા હતા.
નવી કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા પંચાયતની બજેટ બેઠક દરમિયાન વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય કોંગી સદસ્યોએ પહેલેથી જ સભા માથે લીધી હતી.વિપક્ષી નેતા મુબારક પટેલે કોંગ્રેસના ૧૬ સૂચનોનો સ્વીકાર કરવા માટે આગ્રહ રાખતાં શોરબકોર વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી.આ વખતે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા ઉગ્ર જોવા મળ્યા હતા.
પ્રમુખે કોંગ્રેસના સભ્યો સભાગૃહને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોવાનો આરોપ લગાવી કહ્યું હતું કે,તમારા સૂચનો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં આવી જાય છે.તમે છેલ્લી ઘડીએ સૂચનો મૂક્યા છે.જેથી અમે તપાસીશું.
કોંગ્રેસના સભ્યોએ બજેટમાં આંકડાની માયાજાળ રચી હોવાનું કહી મહિલા,બાળકો, ખેડૂતો અને શ્રમિકો માટે બજેટમાં કોઇ જોગવાઇ નહિ હોવાનો આક્ષેપ કરી તેમના સૂચનો રજૂ કર્યા હતા.જેથી ભાજપના સભ્યોએ પણ પ્રતિઆક્ષેપો કરતાં ઉગ્ર માહોલ વચ્ચે પ્રમુખે બજેટ રજૂ કર્યું હતું.જેમાં વર્ષ-૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં રૃ.૪૮.૯૧ કરોડની ઊઘડતી સિલક અને ૨૮.૦૬ કરોડની અંદાજિત આવક મળી કુલ રૃ.૭૬.૯૮ કરોડની આવક સામે રૃ.૩૮.૦૯ કરોડનો ખર્ચ અંદાજવામાં આવતાં રૃ.૩૮.૮૮ કરોડની બચત રહેશે.
કોંગ્રેસે કહ્યું,સરદાર અમારા,પંચાયત ભવનનું નામ સરદાર ભવન રાખ્યું
ભાજપે કહ્યું,સ્ટેચ્યૂ ઓફ યુનિટી અમારો સરદાર પ્રેમ બતાવે છે
વડોદરા જિલ્લા પંચાયતની બજેટ મીટિંગમાં સરદાર પટેલ જયંતિ માટે ખર્ચની રકમ ફાળવવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે તુતુ મૈમૈ..થયું હતું.
કોંગ્રેસના વિપક્ષી નેતા અને અન્ય સભ્યોએ બજેટમાં સરદાર જયંતિ માટે બે લાખ ફાળવવાની માંગણી કરી હતી.તેમણે કહ્યું હતું કે,ડો.બાબાસાહેબ આંબેડકર અને ગાંધી જયંતિ માટે રકમ ફાળવી છે તો સરદાર પટેલ જયંતિ માટે કેમ નહિ.કોંગ્રેસના અન્ય સભ્યોએ કહ્યું હતુંકે,સરદાર અમારા છે.અમે આ ભવનનું નામ સરદાર પટેલના નામે રાખ્યું છે.
તો સામે પક્ષે ભાજપના આગેવાનોએ ડાયરીના ફોટા બતાવી કહ્યું હતુંકે,દર વર્ષે પંચાયતના પ્રાંગણમાં સરદાર જયંતિની ઉજવણી થાય છે તેના ફોટા જુઓ.અમે બે લાખ નહિ પણ ૫ લાખ ફાળવ્યા છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી અમારો સરદાર પ્રેમ બતાવે છે.
વિપક્ષે કહ્યું,112 આંગણવાડીઓમાં પાણી ટપકે છે,રીપેરિંગ તો કરાવો
ભાજપે કહ્યું, આ તમારા સમયમાં બની હતી,6 મહિનામાં કરી દઇશું
વડોદરા જિલ્લા પંચાયતની સભામાં કોંગ્રેસ દ્વારા આંગણવાડીઓના મુદ્દે આજે ફરી એક વાર રજૂઆત કરવામાં આવી હતી.
વિપક્ષી નેતાએ કહ્યું હતું કે,૧૧૨ આંગણવાડીઓ એવી છે જેમાં વરસાદનું પાણી ટપકે છે અને બાળકોને બહાર બેસાડવા પડે છે.૩૨૪ આંગણવાડીઓ જર્જરિત છે.
તો પ્રમુખે કહ્યું હતું કે,તમારા સમયમાં બનેલી આંગણવાડીઓમાં પાણી ટપકે છે.અમે છ મહિનામાં બધી જ આંગણવાડીઓ તૈયાર કરી દઇશું.તમારી પાસે બાકી રહી જતી હોય તેવી આંગણવાડીનું લિસ્ટ હોય તો આપજો.
ડાયરીના વિમોચન દરમિયાન ભાજપના હોદ્દેદાર નારાજ થયા
વડોદરા જિલ્લા પંચાયતની ડાયરીનું આજે વિમોચન રાખવામાં આવ્યું હતું.જે દરમિયાન પૂર્વ કારોબારી ચેરમેનને હાજર નહિ રખાતાં અને હાલના ચેરમેન હાજર રહેતાં પૂર્વ ચેરમેન નારાજ થઇ ગયા હતા.અન્ય આગેવાનોએ તેમને સમજાવીને મનાવી લીધા હતા.