સરકારના નિયમોનું પાલન નહીં કરનાર સ્કૂલો સામે આકરી કાર્યવાહી થશે
વડોદરાઃ વડોદરાની એક પછી એક સ્કૂલોમાં ફી મુદ્દે વાલીઓ દ્વારા થઈ રહેલા વિરોધની વચ્ચે આજે વડોદરા ડીઈઓ દ્વારા શહેરના શાળા સંચાલકોની એક બેઠક બોલાવવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે આ બેઠકમાં ૫૦ કરતા વધારે શાળા સંચાલકો હાજર રહ્યા હતા.ડીઈઓ મહેશ પાંડેએ શાળા સંચાલકોને ચેતવણી આપીને કહ્યું હતું કે, સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ સ્કૂલ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.સ્કૂલ સંચાલકો ફી અંગે વાલીઓની ફરિયાદો કે વિવાદોનો સ્કૂલના કેમ્પસમાં ઉકેલ લાવે તે હિતાવહ છે. ફીને લગતી ફરિયાદો મારી પાસે આવી અને તેમાં જો કોઈ સ્કૂલ દોષી હશે તો તેને બક્ષવામાં નહીં આવે.તેમણે કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકોને કોઈ હેરાનગતિ કે ફરિયાદ હોય તો તેઓ મારી પાસે આવીને રજૂઆત કરી શકે છે.સાથે સાથે તેમણે શાળા સંચાલકોને ચેતવણી આપી હતી કે, રજાના દિવસે સ્કૂલ ચાલું રાખવામાં ના આવે અને સ્કૂલ ચાલું રાખવી હોય તો વાલીઓની સંમતિ લેવામાં આવે.કન્સેપ્ટ સ્કૂલો સામે પણ ડીઈઓ કચેરી જરુર પડે તો કાર્યવાહી કરશે.
જોકે ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, પહેલી વખત આ પ્રકારે બેઠક બોલાવવાની પહેલ ડીઈઓ કચેરીએ કરી છે.જેમાં સાંપ્રત મુદ્દાઓ જેવા કે ફાયર એનઓસી, ડમી સ્કૂલ, ઉમરના આધારે સ્કૂલમાં પ્રવેશ, એફઆરસીના નિયમો, સ્કૂલોમાં પ્રવેસ જેવા મુદ્દાઓની છણાવટ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.બેઠકને લઈને તમામ સંચાલકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
અમને રજૂઆત કરવાનો મોકો ના મળ્યો
શાળા સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલે બેઠક અંગે કહ્યું હતું કે, અમારામાંથી ઘણાને રજૂઆત કરવી હતી પરંતુ મોકો મળ્યો નહોતો.કારણકે આ બેઠક બાદ ડીઈઓને અન્ય એક બેઠકમાં પણ ભાગ લેવાનો હતો.એટલે તેઓ શાળા સંચાલકોને સંબોધીને તરત જ બીજી બેઠક માટે રવાના થઈ ગયા હતા.