મહિલાને ફ્રુટ લઈ ડીકીમાં પર્સ મુકતા જોઈ પીછો કર્યો 40000 ચોરનાર બે ગઠીયા ઝડપાયા
Vadodara Purse Theft Case : વડોદરાના હરણી વારસીયા રીંગ રોડ પર એક સપ્તાહ પહેલા સ્કૂટરની ડીકીમાંથી રોકડ રકમની ચોરી કરનાર બે ગઠીયાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બહાર સ્કૂટર પાર્ક કરી મહિલા બેંકમાં ગઈ તે દરમિયાન તેના સ્કૂટરની ડીકીમાંથી પર્સની ચોરી થઈ હતી. જેમાં રોકડા રોડ 40,000 મુકેલા હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે આ બનાવની તપાસ કરતાં નામચીન ગુનેગાર મોઈન ખાન મહેમુદ ખાન પઠાણ અને મહંમદ હુસૈન ઉર્ફે કાલુ અશૅદ ખાન મિર્ઝા (બંને રહે ભાંડવાડા ફતેપુરા) ની સંડોવણી જણાઈ આવી હતી. પોલીસે બંનેની વોચ રાખી મોટરસાયકલ સાથે ઝડપી પાડતા તેમની પાસેથી રોકડાનું 14,000 મળ્યા હતા. જે બાબતે પૂછપરછ કરતા આ રકમ ગઈ તા 29 મીએ હરણી સંગમ પાસે ફ્રુટ ખરીદતી મહિલાને સ્કૂટર ની ડીકીમાં પર્સ મુકતા જોઈ જતા તેનો પીછો કરી તક મળતા ઉઠાવી લીધી હોવાની વિગતો ખુલી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન મહમદ હુસેન ઉર્ફે કાલુ અગાઉ મારામારીના ચાર તેમજ સ્કૂટરની ડીકીમાંથી ચોરી કરવાના ત્રણ ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો બહાર આવી છે.