ચેક રીટર્ન કેસમાં આરોપીને રૂ.5.40 લાખનો દંડ અને એક વર્ષની સજાનો હુકમ ફટકારતી વડોદરાની કોર્ટ
Vadodara Court : ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કરેલ રૂપિયા 5,20,000/- ની ખાનગી ફરિયાદ ચાલી જતાં આરોપીને વડોદરાના 12માં વધારાના સિનિયર સિવિલ જજ બી.એસ.રાણાની કોર્ટમાં રૂપિયા 5,40,000/- નો સી.આર,.પી.સી ની કલમ 357(1) હેઠળ દંડ અને 1 વર્ષની સાદી કેદ અને ફરિયાદીને રૂપિયા 5,20,000/- ની નુકસાન વળતરનો હુકમ કર્યો હતો.
ફરિયાદી ચેતન ભુપેન્દ્રભાઈ પટેલએ ઓક્ટોબર 2019 થી જુલાઈ 2021 ની વચ્ચે એમના પરિચિત મધુબેન વી.પરમારને મિત્રતામાં અને કોરોનાનાં કપરા સમયમાં મિત્રતામાં અલગ અલગ તારીખ બેંક ટ્રાન્સફર અને રોકડમાં કુલ રૂપિયા 5,20,000/- થી વધુની આર્થિક મદદ કરેલ હતી. જે હાથ ઉછીની રકમ પરત ચુકવવા માટે મધુબેન પરમારે ફરિયાદીને એક ચેક આપેલ હતો. ફરિયાદી ચેતન ભુપેન્દ્રભાઈ પટેલએ વાયદા મુજબ ચેક પોતાની બેંકમાં ભર્યો હતો જે અપૂરતા નાણાંનાં શેરા સાથે આરોપીની બેંકે પરત મોકલેલ હતો. પોતાનાં વકીલ મારફતે જરૂરી કાયદેસરની નોટિસ અને ત્યાર બાદ વડોદરાની કોર્ટમાં પોતાનાં વકીલ અમિષ જે. દાદાવાલા મારફતે ખાનગી ફરિયાદ દાખલ કરતાં, આ કામનાં આરોપી પોતાના વકીલ એન.એન.મોદી મારફતે કોર્ટમાં હાજર રહ્યાં હતા અને ગુનો કબુલ ન હોવાનું જણાવી કેસ આગળ ચલાવવાની અરજી કરેલ હતી.
ત્યાર બાદ કોર્ટમાં કેસ ચાલી જતાં નામદાર કોર્ટે પોતાનાં ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કામના આરોપીએ વાત કબુલ રાખી હતી કે મિત્રતામાં આ કામના ફરિયાદીએ તેણીને નાણાં આપ્યા હતા. આરોપી નામદાર કોર્ટ સમક્ષએ વાત સાબિત નથી કરી શક્યા કે તેણીએ ફરિયાદીને કોરો ચેક અથવા તો ચેક સિક્યોરિટી પેટે આપ્યો હતો. વધુમાં નામદાર કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી મધુબેન પરમારે ફરિયાદી ચેતન ભુપેન્દ્રભાઈ પટેલને મિત્રતામાં લીધેલ લોનની પુનઃ ચુકવણી પેટે બેંક મારફતે રૂપિયા 1 લાખ પરત કરેલ છે. સમગ્ર ચર્ચા પરથી એ બાબત પુરવાર થાય છે કે ફરિયાદીનું આરોપી પાસેથી રૂપિયા 5,20,000/- નું કાયદેસરનું લહેણું છે અને જે ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ની તમામ શરતોનું પાલન કરે છે. વધુમાં નામદાર કોર્ટે પોતાનાં ચુકાદામાં ટાંક્યું હતું કે, આરોપી પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબિત કરવા માટે જરૂરી એક પણ આધારભૂત પુરાવો રજુ કરી શક્યા નથી. આમ ઉપરના સંજોગમાં ફરિયાદી પોતાની ફરિયાદ પુરવાર કરી શકેલ છે અને કાયદા મુજબ વળતર મેળવવા હક્કદાર છે.
નામદાર કોર્ટે આરોપી મધુબેન વી.પરમારને રૂપિયા 5,40,000/- નો દંડ અને એમાંથી ફરિયાદીને રૂપિયા 5,20,000/- વળતર પેટે ચૂકવવાનો આદેશ કરેલ હતો અને આરોપીને એક વર્ષની સાદી સજા અને દંડની રકમની ચુકવણી સમયમાં ના કરે તો વધુ બે મહિનાની સજા ફટકારી હતી.