વડોદરા કોર્પોરેશનની નવી આર્ટ ગેલેરી તૈયાર, પરંતુ હજુ ખુલ્લી મૂકવામાં આવી નથી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બદામડી બાગ ખાતે ફાયર સ્ટેશન અને નવી આર્ટ ગેલેરી આશરે 6 કરોડના ખર્ચે બનાવી છે. આર્ટ ગેલેરી તૈયાર છે, અને હજુ સુધી તે ખુલ્લી મુકવામાં આવી નથી. તાજેતરમાં સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ આર્ટ ગેલેરીને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી નામ અપાયું છે. જેની સાથે સાથે આર્ટ ગેલેરીના ધંધાકીય અને બિન ધંધાકીય ઉપયોગ માટે ભાડું અને લાગત પણ નક્કી કરવામાં આવી છે.
ટુરિસ્ટ વિભાગ દ્વારા બદામડીબાગ ખાતેની વર્ષો અગાઉ બનેલી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીનુ સંચાલન કરવામા આવતુ હતુ. વર્ષ 2018 માં જૂની આર્ટ ગેલેરી તોડી પાડીને નવી આર્ટ ગેલેરી બનાવવાની હોઈ ગેલેરીનુ બૂકિંગ તથા વપરાશ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે નવી આર્ટ ગેલેરીનું બૂકિંગ નવી ઇઆરપી સીસ્ટમથી શરૂ કરવામા આવશે. જોકે હજુ સમગ્ર સભાની મંજૂરી લેવાની બાકી છે. વડોદરાના કલાકારો છેલ્લા સાત વર્ષથી આર્ટ ગેલેરી વિના પરેશાન છે. આર્ટ ગેલેરી માટે અગાઉ આંદોલનનો પણ કર્યા હતા અને જલ્દી આર્ટ ગેલેરી આપવા માંગણી કરી હતી. હવે બિલ્ડીંગ તૈયાર છે તો તે જલ્દી શરૂ કરવા માંગ કરી છે. આર્ટ ગેલેરીની સાથે-સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર બ્રિગેડ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. કોર્પોરેશનનું મુખ્ય ફાયર સ્ટેશન જે દાંડિયા બજાર ખાતે હતું, તે તોડી પાડીને બદામડી બાગની જગ્યામાં બનાવવા જે તે સમયે નિર્ણય થયો ત્યારે વિરોધ થયો હતો. જે તે સમયે વિરોધ પક્ષ કોંગ્રેસના મહિલા નેતાએ માગણી કરતા જણાવ્યું હતું કે શહેરની મધ્યમાં લોકોને શુધ્ધ હવા મળે તે માટે બહુ ઓછા ગાર્ડન બચ્યા છે, તો ગાર્ડન અકબંધ રાખવો જોઈએ. લોકો પાસેથી ગાર્ડનની સુવિધા ન છીનવાય તે ધ્યાનમાં રાખવા અનુરોધ કર્યો હતો.