વડોદરા કોર્પોરેશનનું બજેટ ચૂંટણીલક્ષી : 'શહેરમાં ટેન્કર રાજ ચાલે છે, લોકોને પાણી મળી રહ્યું નથી' કોંગ્રેસ કોર્પોરેટરના નિવેદનથી ભાજપનો હોબાળો
Vadodara Corporation Budget : વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં વડોદરામાં ચાલતા પાણીના ટેન્કર રાજ મુદ્દે બાળો સર્જાયો હતો કોંગ્રેસના સભ્યએ ટેન્કર રાજ હોવાનું જણાવતા ભાજપના સભ્યોએ ઊભા થઈ વિરોધ કર્યો હતો.
વડોદરા કોર્પોરેશનની બજેટ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે આક્ષેપ કર્યો હતો કે, વડોદરામાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચવા છતાં લોકોને યોગ્ય પ્રેસરથી ચોખ્ખું પાણી મળી રહ્યું નથી. તેમના આ નિવેદન સામે સત્તાધારી ભાજપના સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. તમામ સભ્યોએ એકજૂથ ઊભા થયા હતા અને કોંગ્રેસના કોર્પોરેટરે કરેલા આક્ષેપ ખોટા અને પાયાવિહોણા છે તેમ જણાવી તેમનું નિવેદન પરત લેવા ઉગ્ર રજૂઆત કરી હતી. જેથી શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હંગામો સર્જાયો હતો.
બજેટની સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે રજૂઆત કરી હતી કે, વર્ષ 2025-26નું બજેટ સંપૂર્ણ ચૂંટણીલક્ષી છે. માત્ર એમાં આંકડાની માયાજાળ રજૂ કરવામાં આવી છે. જે રીતે મ્યુન્સિપલ કમિશનર અને ચેરમેન શબ્દોની માયાજાળ કરી રહ્યા છે તે રીતે મોટા વિકાસના દાવા કરી નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સામે ખાલી સમિતિના અધ્યક્ષ ડોક્ટર મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જ્યાં ગંદા પાણીની ફરિયાદો આવતી હોય છે તે વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે જેથી કોંગ્રેસ જે આક્ષેપ કરે છે તે તદ્દન ખોટો છે. વડોદરા શહેરમાં જે વિસ્તારમાં ગંદુ પાણી આવે છે તે વિસ્તારમાં નવી પાણીની લાઈન નાખવા પાછળ 50 કરોડનો ખર્ચ થનાર છે.
બજેટ અંગેની સભામાં પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, હવે તો અધિકારીઓ મોટા રાજકરણી થઈ ગયા છે. કારણ કે અધિકારીઓ કોઈપણ કોર્પોરેટરની રજૂઆતો સાંભળતા નથી અને તેઓ અંદરો અંદર કોર્પોરેટરોને અથાડી રહ્યા છે. અનેક કોર્પોરેટરો દ્વારા તેમના વિસ્તારમાં થયેલ રજૂઆત અંતર્ગત કામ થતા નથી જેથી કમિશનરે દર મહિને કોર્પોરેટરો અને અધિકારીઓની સંયુક્ત બેઠકો બોલાવી તેઓની રજૂઆતોનો નિવેડો લાવવો જોઈએ.