વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ થશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024 -25 ના મિલકત વેરાના બીલો આપવાનું ગઈ તારીખ 2 થી ચાલુ કરવામાં આવ્યું હતું, અને બિલો આપી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોર્પોરેશનને 311 કરોડ આવક થઈ ચૂકી છે. ચાલુ વર્ષે બજેટની આવકનો લક્ષ્યાંક 742 કરોડનો છે. ગયા વર્ષે કોર્પોરેશને 671 કરોડની આવકનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ચાલુ વર્ષે મિલકતવેરાના બિલો આપવાનું મોડું થયું હતું, તેનું કારણ વરસાદ અને પૂર હતું. કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ વેરો ભરવાની સ્કીમ પણ મૂકવામાં આવી હતી. જે બે મહિના ચાલી હતી. જેમાં કોર્પોરેશનને 240 કરોડની આવક મળી હતી. કોર્પોરેશન દર વર્ષે 8.50 લાખ બિલો આપે છે. એડવાન્સ વેરો ભરવાની સ્કીમ પૂરી થયા પછી જે લોકોએ મિલકત વેરો ભર્યો નથી તેઓને બિલો આપવામાં આવ્યા છે. આવા આશરે 7 લાખ બિલો આપવાના બાકી હતા. લોકોએ બિલો ભરવાનું ચાલુ પણ કરી દીધું છે.
દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 માં બિલો ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 માં બિલો ભરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13 માં બિલો ભરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી રાખવામાં આવી છે. સૌથી છેલ્લે પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15 માં બિલો ભરવાની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી રહેશે. કોર્પોરેશન દર વર્ષે જે તે નાણાકીય વર્ષના આગલા વર્ષ સુધી બાકી રહેલા બિલ પર વ્યાજ માફીની યોજના લાવે છે. જેથી લોકો પાછલા વર્ષના વેરાના બિલો ભરી શકે. આ વર્ષે પણ આવી સ્કીમ લાવવામાં આવે તેવી સંભાવના છે. જેમાં પાછલા વર્ષ સુધી ચડેલા વ્યાજને માફી આપવામાં આવે તેવી શક્યતા છે. જોકે આ માટે સ્ટેન્ડિંગ સમિતિની મંજૂરી પણ મેળવાશે. એ પછી જ તે અમલી બની શકશે. કોર્પોરેશનનો બાકી વેરો નહીં ભરનાર કોમર્શિયલ અને રેસીડેન્સીયલ મિલકત ધારકોને નોટીસો આપીને કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. જેમાં રેસીડેન્સીયલ મિલકતનો બાકી વેરો નહીં ભરવા બદલ પાણીના કનેક્શન કાપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ મિલકતો સીઝ કરવામાં આવશે.