દિવાળીના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશન ઓકટોબરનો પગાર, પેન્શનના વહેલા ચુકવણા કરશે : પગારમાં વિલંબ થશે તો ખાતા અધિકારી જવાબદાર
Vadodara Corporation : દિવાળીના તહેવારને અનુલક્ષીને કર્મચારીઓ/પેન્શનરોને ઓકટોબર 2024નો પગાર તથા પેન્શન વહેલાં ચુકવણી કરવા વડોદરા મહાનગર પાલિકાના તમામ ખાતાએ જરૂરી કાર્યવાહી કરવાની એકાઉન્ટ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.
તંત્રએ પરિપત્ર જારી કરતા જણાવ્યું છે કે, બેન્ક દ્વારા પગાર મેળવતાં તમામ કર્મચારીઓના પગાર પત્રકો માટે આઈ.ટી. શાખામાં ડેટા એન્ટ્રી માટેના પેરોલના ડેટા ફોર્મસ તાત્કાલિક મોકલી આપવાના રહેશે. પગાર પત્રકો આઇ.ટી. શાખાએથી તા.16-10ના રોજ મેળવી, ઓડીટ શાખામાં તા.18-10 સુધીમાં રજુ કરવાના રહેશે. પત્રકો ઓડીટ કરાવી તા.22-10 સુધી હિસાબી શાખાએ ચુકવણા અર્થે મોકલી આપવાના રહેશે. રોજીંદારી-ખંડ સમયના કર્મચારીઓની અને 11 માસના કરાર આધારીત કર્મચારીઓની તા.21 સપ્ટેમ્બરથી 20 ઓકટોબરની હાજરીની માહિતી તા.21.10.2024ના રોજ બપોરે 12 કલાક સુધીમાં આઇ.ટી. શાખાને બિનચૂક મોકલી આપવાની રહેશે. જેના તૈયાર થયેલા પત્રકો તા.23.10ના રોજ બપોરે 12 કલાક બાદ મેળવી ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણાં અર્થે તા.25-10 સુધી રજુ કરવાના રહેશે.
પેન્શનના માહે ઓકટોબરના પત્રક તા.14-10ના રોજ આઇ.ટી. શાખાએથી મેળવી ઓડીટ કરાવી તા.23-10 સુધી ચુકવણા અર્થે હિસાબી શાખાએ રજુ કરવાના રહેશે. સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ પગાર પત્રકોનું ચુકવણું દિવાળી પહેલાં થઇ શકશે નહિં અને જે કોઇ પરિસ્થિતિ ઉપસ્થિત થશે તેની જવાબદારી જે તે ખાતાની રહેશે.