વડોદરા કોર્પોરેશનને 15મા નાણાપંચની ભલામણો મુજબ બે વર્ષની 56.96 કરોડ ગ્રાન્ટ મળશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર સરકારની 15મા નાણાપંચની ભલામણો મુજબ વર્ષ 2024-25 તથા 2025-26 માં એર ક્વોલીટી ઇમ્પ્રુવમેન્ટ પેટે મળનાર ગ્રાન્ટ હેઠળ કરવામાં આવનાર 65.4 કરોડના 12 કામોને સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂરી આપી છે. વડોદરા કોર્પોરેશનને વર્ષ 2024-25 માં 25.26 કરોડ તથા 2025-26 વર્ષમાં 31 કરોડ મળીને કુલ 56.96 કરોડની ગ્રાન્ટ મળનાર છે. આ ગ્રાન્ટ હેઠળ 18.4 કરોડના રોડ પ્રોજેક્ટરના કામો થનાર છે. જેમાં ફૂટપાથ બનાવવી, રોડ પહોળા કરવા વગેરે કામોનો સમાવેશ થાય છે. આમાં સૌથી મોટું કામ એરપોર્ટ સર્કલથી અમિત નગર ચાર રસ્તા થઈ વુડા સર્કલથી ફતેગંજ સર્કલ સેવન સીઝથી શાસ્ત્રી બ્રિજ સુધી નવી ફૂટપાથ 3.7 કરોડના ખર્ચનું છે. આ ઉપરાંત બે કરોડના ખર્ચે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફુવારા બનાવવા, સુરસાગર તળાવ ખાતે ફાઉન્ટેન મૂકવા, પ્રધાનમંત્રી ઈ-બસ સેવા હેઠળ 19 કરોડના ખર્ચે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, સ્મશાનોમાં 20 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિસિટી અને ગેસ ચિતા બનાવવી વગેરે કામોનો સમાવેશ થાય છે. કોર્પોરેશનને અગાઉના તમામ નાણાકીય વર્ષ સુધીમાં મળેલ ગ્રાન્ટનો 75% વપરાશ કરી સરકારમાં યુટીલાઈઝેશન સર્ટિફિકેટ રજુ કરતા આગળના વર્ષની ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવે છે. જોકે જે કામો મૂકવામાં આવ્યા છે, તેમાં ફેરફાર કરી નવા કામ ઉમેરવા કમિશનરને સત્તા આપવામાં આવી છે.