વડોદરા કોર્પોરેશન દ્વારા કમાટી બાગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ થતા અનાવરણ કરાયું
- કેમિકલી રિસ્ટોરેશન કરાતા દસ વર્ષ સુધી પ્રતિમાને કાંઈ નહીં થાય
- જોકે નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ જરૂરી
વડોદરા, તા. 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજીંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે રીસ્ટોરેશન કરવા અગાઉ નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાનમાં કાલાઘોડા અને જેલ રોડ સ્થિત પ્રિન્સ ફતેસિંહ રાવની પ્રતિમાનું રીસ્ટોરેશન કાર્ય પૂર્ણ થયા બાદ ગયા મહિને અનાવરણ કરવામાં આવ્યું હતું અને આજે છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે કમાટીબાગમાં શિવાજી મહારાજની પ્રતિમાનું રીસ્ટોરેશન કાર્ય આશરે 9.83 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવતા અનાવરણ કરવામાં આવ્યું હતું.
કમાટીબાગમાં મ્યુઝિયમ પ્લોટ સ્થિત આ પ્રતિમા બેન્ડની સુરાવલીઓ વચ્ચે ખુલ્લી મુકવામાં આવી હતી. કાલાઘોડા અને ફતેસિંહ રાવની પ્રતિમાના રીસ્ટોરેશન પાછળ 19.70 લાખનો ખર્ચ થયો છે. શિવાજી મહારાજ ની પ્રતિમાના રીસ્ટોરેશન પાછળ આશરે આઠેક મહિનાનો સમય વીત્યો છે .જે તે સમયે આ ત્રણેય પ્રતિમાની કામગીરી શરૂ કરી ત્યારે આ પ્રતિમાઓનું નિરીક્ષણ કરીને નિષ્ણાતોએ કહ્યું હતું કે હાલ પ્રતિમાની જે હાલત થઈ છે તેને બ્રોન્ઝસીસ કહેવાય છે ,એટલે કે જેમ કેન્સર ફેલાય તેમ તે ફેલાતું રહે છે, અને પ્રતિમાને નુકસાન કરે છે. કોર્પોરેશન દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ સંસ્થા ઉપરાંત સેન્ટર ફોર ધી આર્ટ્સ, (કોન્ઝર્વેશન વિભાગ) તેમજ મીનીસ્ટ્રી ઓફ કલ્ચર, ભારત સરકાર ની પણ મદદ લેવામાં આવી હતી. આ ત્રણ સ્કલ્પચરનાં રીસ્ટોરેશન માટે રૂ.29,55,000/- નો ખર્ચ કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં અગાઉ દરખાસ્ત પણ મંજૂર કરી હતી. હજુ તાજેતરમાં જ સ્ટેન્ડિંગ સમિતિએ શહેરમાં બીજી 15 પ્રતિમાઓનું પણ રિસ્ટોરેશન કાર્ય કરવા 1.10 કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂર કરી છે. દરેક પ્રતિમાને અસર અને નુકસાન થવાના કારણો જુદા જુદા હોય છે . કેમિકલી રીસ્ટોરેશન કર્યા બાદ આ પ્રતિમાને હવે દસ વર્ષ સુધી કશું નહીં થાય. આમ છતાં હોઇ રેગ્યુલર ક્લિનીંગ જરૂરી રહેશે.