Get The App

ભાયલી તળાવના બ્યુટીફિકેશન માટે વિવાદાસ્પદ અગ્રવાલ કન્સ્ટ્રક્શનને રૂ.1.87 કરોડ વધુ ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
ભાયલી તળાવના બ્યુટીફિકેશન માટે વિવાદાસ્પદ અગ્રવાલ કન્સ્ટ્રક્શનને રૂ.1.87 કરોડ વધુ ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો 1 - image


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની હદમાં નવા સમાવિષ્ટ ભાયલી ગામ તળાવના બ્યુટીફિકેશન માટે કોર્પોરેશન દ્વારા પાંચ વખત પ્રયત્ન કરવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી કરવા તૈયાર થયા નહીં અને આખરે છઠ્ઠા પ્રયત્ન સમયે સિંગલ ટેન્ડર કપુરાઈ તળાવમાં હલકી કક્ષાની કામગીરી કરનાર વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અગ્રવાલ કન્સ્ટ્રક્શન દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું અને તે પણ 38.38% વધુ ભાવનું ભર્યું છે જેને કારણે અંદાજિત રકમ 4.89 કરોડના સ્થાને રૂપિયા 6.77 કરોડનું ટેન્ડર આવ્યું છે. જેથી કોર્પોરેશન રૂ.1.87 કરોડ વધુ રકમ માનીતા કોન્ટ્રાક્ટરને ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે.

ભાયલી તળાવના નવિનીકરણની કામગીરી માટે ઈજારદાર અગ્રવાલ કંસ્ટ્રકશનના અંદાજ રૂ.4,89,72,310/- (GST સિવાય) થી 38.38% વધુ એટલેકે રૂ.6,77,69,740ના આઇટમ રેટ ભાવપત્રને મંજુરી આપવા ભલામણ કરી છે ત્યારે હવે જોવાનું રહે છે કે ભાજપની સંકલન સમિતિ માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપશે કે કેમ?

સ્થાયી સમિતિની દરખાસ્તમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં આવેલ તળાવોની સ્વચ્છતા તથા સુંદરતા જળવાય અને શહેરીજનોને ઉપયોગી બને તે હેતુથી ભાયલી તળાવના નવિનીકરણની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અંદાજ રૂ.6,12,15,400/GST અને Contingency સહની મંજુરી મળેલ છે. જેની કામગીરીના નેટ અંદાજ રૂ.4,89,72,310 હતો.

કોર્પોરેશન દ્વારા વર્ષ મે-2023 થી જાન્યુઆરી 2024 દરમિયાન ભાયલી તળાવના બ્યુટીફિકેશન માટે પાંચ વખત જાહેરાત આપી પ્રયત્ન કરવામાં આવ્યો હતો છતાં કોઈપણ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું નહીં આખરે છઠ્ઠા વખતના પ્રયત્નોમાં ફક્ત એક જ અગ્રવાલ કંસ્ટ્રકશન ઇજારદારના ટેન્ડર આવ્યા હતા. ઈજારદાર અગ્રવાલ કંસ્ટ્રકશનને ફ્યુચરીસ્ટીક પ્લાનીંગ સેલ દ્વારા ભાવોમાં ઘટાડો કરવા અંગે જણાવતાં, ઇજારદારે સાઇટ કન્ડીશન અને

માર્કેટમાં મટીરીયલના ભાવમાં વધારો થવાના કારણે ભરેલ ભાવમાં અંદાજીત રકમથી 2 % નો ઘટાડો કરવા સહમતી આપેલ છે. જે મુજબ ઇજારદારના ભાવપત્રની રકમ રૂ.6,77,69,740/-થાય છે જે અંદાજીત રકમથી 38.38% વધુ થાય છે.

પ્રધાનમંત્રી ઈ-ચાર્જિંગ સ્ટેશન, મ્યુઝિયમ, ફૂટબ્રિજના કામોનો વિરોધ કરનાર ભાજપ સંકલન ભાયલી તળાવના બ્યુટીફિકેશનનો વિરોધ કરશે કે કેમ?

વડોદરા કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરોના કામો વધુ ભાવના હોય તો પણ મંજૂર કરી દેવામાં આવે છે અને જે અણમાનીતા હોય તેવા કોન્ટ્રાક્ટરોના ઓછા ભાવના ટેન્ડરો હોય તો પણ નામંજૂર કરી દઈ વાલા દવલાનીનીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં બિનજરૂરી એવા મ્યુઝિયમ સયાજી બાગ ના ફૂટ બ્રિજ અને પ્રધાનમંત્રી e બસ સેવા અંતર્ગત e ચાર્જિંગ સ્ટેશન ના કામોનો વિરોધ ભાજપની સંકલન સમિતિએ કર્યો હતો.

ભાજપ સંકલન સમિતિ દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ થતા ટેન્ડરો મંજૂર કરાવવામાં ભાજપમાં ચાલતી જૂથબંધીને કારણે અવારનવાર વિવાદો સર્જાતા રહે છે ત્યારે માનીતા કોન્ટ્રાક્ટરો ને વધુ ભાવ ચૂકવીને પણ કામો મંજૂર કરાવી દેવામાં આવતા હોય છે તો કેટલીક વખત ઉપરથી ભાજપના આગેવાનનું કામ મંજૂર કરવા દબાણ છે તેવા બહાના હેઠળ પણ કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપવામાં આવતો હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. 

તાજેતરમાં વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં વિધાનસભાના દંડક બાળુ શુક્લએ ટીમ વડોદરા અંતર્ગત પરીસંવાદો યોજીને હેરિટેજ વડોદરાની આગવી ઓળખ ઉભી કરવાના ભાગરૂપે લાલકોર્ટમાં મ્યુઝિયમ બનાવવા નું નક્કી કર્યું હતું પરંતુ ભાજપની ભાંજગડને કારણે જ્યારે સ્થાયી સમિતિમાં આ કામ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેમના વિરોધી સ્થાયી સમિતિના સભ્યોએ આગવી ઓળખની ગ્રાન્ટ આવી નથી જેથી અન્ય ગ્રાન્ટમાં થી કામ કરવું નહીં તેમ કહી વિરોધ કર્યો હતો  એ જ રીતે સયાજી બાગમાં ફૂટ બ્રિજ બનાવવાના કામ પાછળ રૂપિયા ૧૨ કરોડનો ખર્ચ થવાનો હતો તે હાલમાં જરૂરી નથી તેવી રજૂઆતો સ્થાયી સમિતિના સભ્યોએ કરી જેને કારણે બંને કામો પરત કરી દેવામાં આવ્યા હતા. 

 આ સમય દરમિયાન પ્રધાનમંત્રી e બસ સેવા અંતર્ગત ગોત્રી વિસ્તારમાં 14 કરોડના ખર્ચે ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન હતું જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતાં કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો કે,e બસ સેવા પ્રોજેક્ટની કોઈ ગ્રાન્ટ આવી નથી ત્યારે હાલમાં આ ખર્ચ કરવાની કોઈ જરૂર નથી તેમ રજૂઆત કરી કામ મુલતવી કરી દેવામાં આવ્યું હતું.

  બિનજરૂરી કામો નહીં કરવા જોઈએ અને હાલમાં પ્રાથમિક સુવિધાના કામો પર વધુ ખર્ચ કરવામાં આવે તે જરૂરી હોવા અંગે સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ રજૂઆતો કરી હતી ત્યારે હવે જોવાનું રહે છે કે માનીતા એવા વિવાદાસ્પદ અગ્રવાલ કન્સ્ટ્રક્શનના વધુ ભાવના ટેન્ડરની અને બિનજરૂરી ભાયલી ગામના તળાવના બ્યુટીફિકેશન પાછળ રૂ.6.77 કરોડનો ખર્ચ કરવો જરૂરી નથી તેવી રજૂઆત કરશે કે કેમ તે જોવાનું રહે છે.


Google NewsGoogle News