વડોદરા ઓક્ટ્રોઇ વળતર ગ્રાન્ટમાં કોર્પોરેશનને દર વર્ષે 15 ટકા વધારો મળવો જોઈએ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 6200.56 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંગળવારે સ્થાયી સમિતિમાં રજૂ થઈ ચૂક્યું છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ સહિત જનરલ ટેક્સનો આવકનો લક્ષ્યાંક 757.85 કરોડ મૂકવામાં આવ્યો છે. જ્યારે ઓક્ટ્રોઇની ગ્રાન્ટ પેટે 360 કરોડ મળે તેવો અંદાજ મુકાયો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2007માં ઓક્ટ્રોઇ નાબૂદ કરવામાં આવી હતી. જેના લીધે રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તેમની મુખ્ય આવક ગુમાવી દીધી હતી. આ આવક સરભર કરવા રાજ્ય સરકાર દ્વારા જે તે સમયની ઓક્ટ્રોઇ આવકને ધ્યાનમાં રાખી ઓક્ટ્રોઇ વળતર ગ્રાન્ટ આપવાનું નક્કી કર્યું હતું.
વડોદરા કોર્પોરેશન માટે સરકાર દ્વારા ઓક્ટ્રોઇ વળતર ગ્રાન્ટમાં 2007 થી અત્યાર સુધીમાં એટલે કે 15 વર્ષમાં માત્ર ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલ 2014, 17 અને 22 માં અનુક્રમે 15% 10% અને 7% નો વધારો અપાયો છે, જે ફુગાવાના વધી રહેલા દરની સામે અપૂરતો છે. 2007માં ઓક્ટ્રોઇ વળતર ગ્રાન્ટ પેટે વડોદરાને દર મહિને 20.89 કરોડ મળતા હતા. જે હવે વધીને 28.68 કરોડ મળે છે. કોર્પોરેશનના બજેટની સ્પીચમાં મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું છે કે ઓક્ટ્રોઇ વળતર ગ્રાન્ટમાં દર વર્ષે 15 ટકાનો વધારો કરવા અંગેની રજૂઆત ઉચ્ચસ્તરે કરવી જરૂરી છે. જોકે તેમણે એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર તરફથી વિવિધ યોજનાઓ પેટે વિકાસના કામો માટે આંતર માળખાકીય સુવિધાઓ અર્થે સારી એવી ગ્રાન્ટો મહાનગરપાલિકાને ફાળવવામાં આવે છે. વડોદરા કોર્પોરેશનએ છેલ્લા દસ વર્ષમાં આશરે 7000 કરોડના વિકાસના કામો કર્યા છે. જેના કારણે કોર્પોરેશનના મેન્ટેનન્સના ખર્ચમાં ખૂબ વધારો થયો છે. કોર્પોરેશન પાસે આવકના સાધનો મર્યાદિત હોવાથી મેન્ટેનન્સ માટે પણ ગ્રાન્ટ મળે તે બાબતે ઉચ્ચસ્તરે રજૂઆત કરવી જોઈએ.