વડોદરા કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ: પર્ણ વાટિકા સોસા.ના મકાનની ગેરકાયદે બાલ્કની તોડી પડાઈ
વડોદરા શહેરમાં ચારે બાજુએ આડેધડ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. દબાણ કરનારા બિન્દાસ રીતે પાકા બાંધકામવાળા મકાનમાં રહેતા હોય છે જ્યારે બીજી બાજુ તંત્રને માત્ર ગરીબ વર્ગના લારી, ગલ્લા, પથારાવાળા જ દેખાય છે. આવા ગેરકાયદે દબાણો માટે કોઈ ચોક્કસ નીતિ ઘડવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપોદ પોલીસ સ્ટેશનની નજીક ભાઈલાલભાઈ પાર્કની પાછળની પર્ણ વાટીકા સોસાયટીમાં બનાવવામાં આવેલા બે માળના મકાનની ગેરકાયદે બાલ્કની દબાણ શાખાએ તોડી પાડતા તમાશો જોવા લોક ટોળાં એકત્ર થતાં પોલીસે શાંતિપૂર્ણ રીતે મામલો સંભાળી તમામને ખદેડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં બાપોદ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ભાઈલાલભાઈ પાર્કની બાજુમાં આવેલી પર્ણ વાટીકા સોસાયટીના સી-૭૧ નંબરનું ગ્રાઉન્ડ ફ્લોર સહિત એક માળનું મકાન બનાવેલું છે પરંતુ આ મકાનના ઉપરના માલની બાલકની નો કેટલોક ભાગ ગેરકાયદે બનાવવામાં આવેલો હોવાની ફરિયાદ પાલિકા તંત્રના ટાઉન ડેવલપમેન્ટ વિભાગમાં મળી હતી. આ અંગે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ગોપાલ દરજીના નેજા હેઠળની એક ટીમ ગેરકાયદે બનાવના સ્થળે બ્રેકર સાથે પહોંચી હતી. બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં તમામ પ્રાથમિક કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા દબાણ શાખાના બ્રેકરથી બાલ્કનીનું ગેરકાયદે કરવામાં આવેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પાલિકા દબાણ શાખા ની ટીમ ની આ કામગીરી વખતે સ્થાનિક રહીશોનું ટોળું ઘટના સ્થળે એકત્ર થયું હતું પરંતુ બાપોદ પોલીસની દરમિયાનગીરી અને સમજાવટથી મામલો થાળી પડતા પાલિકા દબાણ શાખા ની કામગીરી સરળ થઈ હતી.