વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ કોઈનું સાંભળતા નથી ભાજપના દંડકનો આક્ષેપ : રાત્રે પડેલો ભુવો સવારે યથાવત
Vadodara : વડોદરા શહેરના માંજલપુર ચાર રસ્તા વિસ્તારનો રોડ રસ્તો સતત ધમધમતો રહે છે અને આ રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 ની સમાંતર ગણવામાં આવે છે. ગઈ રાત્રે આ વિસ્તારમાં નાનો ભુવો પડ્યો હોવાનો મેસેજ શાસક પક્ષના દંડકે તંત્રને કર્યો હોવા છતાં સવાર સુધી પાણી પુરવઠા વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી 11 વાગ્યા સુધીમાં કોઈ ફરક્યું નથી. આમ જો દંડકનો સંદેશો કોઈ ધ્યાને નહીં લેતા હોવાથી મોટો બનાવ બનવાની શક્યતા નકારી શકાતી નથી. હજી બે વર્ષ અગાઉ જ આ કામગીરીમાં ખામી હોવાનું દંડક શૈલેષ પાટીલએ જણાવ્યું હતું છતાં બહેરા કાને જે તે વખતે કાંઈ સાંભળવામાં આવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે માંજલપુર ચાર રસ્તા પાસેનો રોડ રસ્તો વાહન વ્યવહારથી ધમધમતો હોવાના કારણે નેશનલ હાઈવે જેવો ગણાય છે. આ રોડ પર ગઈ રાત્રે કેટલીક જમીન બેસી ગઈ હોવાનું શાસક પક્ષના દંડક શૈલેષભાઈએ જે તે અધિકારીઓને જણાવ્યું હતું. આમ છતાં સવારે 11 વાગ્યા સુધીમાં આ રોડ રસ્તાનું રીપેરીંગ કામ થયું ન હતું. જેથી દંડકે બેસી ગયેલી જમીનની આજુબાજુ બેરીકેટિંગ વિહીકલ પુલના ડ્રાઇવર અને અન્ય સ્ટાફ દ્વારા કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ રોડ રસ્તો બે વર્ષ અગાઉ જ નવો બનાવવામાં આવ્યો હતો ત્યારે જ દંડક શૈલેષભાઈએ કામગીરીમાં ખામી હોવા બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હતું. છતાં સબ સલામતની જેમ રોડ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે રસ્તો બેસી ગયો છે અને આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, તથા કોઈ ભારદારી વાહન આ રોડ રસ્તા પરથી પસાર થાય અને દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ એવા સૂચક પ્રશ્ને તંત્ર દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું હતું.