વડોદરા કોર્પોરેશનની એડવાન્સ મિલકત વેરો ભરવાની એક મહિનાની યોજના શરૂ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના આજથી એક મહિનો માટે અમલમાં મૂકવામાં આવી છે. તારીખ 23 એપ્રિલ થી તારીખ 23 મે સુધી અમલમાં રહેનારી આ વળતર યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવામાં આવે તો 10% અને કોમર્શિયલ મિલકતમાં 5 ટકા વળતર અપાશે. જો કરદાતાઓ ઓનલાઈન વેરો ભરશે તો રહેણાંક અને કોમર્શિયલમાં એક એક ટકો વધુ વળતર મળશે.
મિલકત વેરાના અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ એક સાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર અપાશે. વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવરેજ ટેક્સની રકમ પર મળશે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર મળશે નહીં. કરદાતાએ પાછલા વર્ષનું વેરાબીલ અથવા વેરો ભર્યાની પાવતી લઈને વોર્ડની ઓફિસે જશે એટલે તે જોઈને તેને કેટલો વેરો ભરવાનો છે, તે કહેવાશે. ઓનલાઇન પણ સિસ્ટમમાં કેટલો વેરો ભરવાનો છે તે જોઈ શકાશે. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. વર્ષ 2025-26 માં વેરાની આવકનો ટાર્ગેટ 807 કરોડનો મૂકવામાં આવ્યો છે.