વડોદરા કોર્પોરેશનને 15માં નાણાપંચની ભલામણો મુજબ 181 કરોડની ગ્રાન્ટ
Vadodara Corporation : કેન્દ્ર સરકારના 15 માં નાણાપંચની ભલામણો મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી પુરવઠો, વરસાદી ગટર, ડ્રેનેજ, સ્વચ્છતા અને સફાઈ, ઘન કચરા નિકાલની કામગીરી અને મશીનરી ખરીદી માટે કુલ 181 કરોડની ત્રણ વર્ષની ગ્રાન્ટ મળનાર છે. જેમાંથી 34.80 કરોડની ગ્રાન્ટ મળી ચૂકી છે, બાકીની આગામી સમયમાં મળશે.
આ ગ્રાન્ટમાંથી કુલ 278.30 કરોડના 42 કામોનું આયોજન કરાયું છે. જેમાં પાણી પુરવઠાના 76.90 કરોડના 10 કામ છે. આ કામોમાં આજવા ખાતે 25 કરોડના ખર્ચે પોનટુન બેસાડવા તેમજ 35 કરોડના ખર્ચે નિમેટા પ્લાન્ટ સંદર્ભેનું કામ છે. ઘન કચરા નિકાલ માટે 72.24 કરોડના ચાર કામ છે. જેમાં કચરા પ્રોસેસિંગ માટે 44 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. ડ્રેનેજની સુવિધાના 68 પણ 76 કરોડના 16 કામ છે. કાંસોની સફાઈ માટે ટ્રેન માસ્ટર મશીન, એસકેવેટર લોડર મશીન અને ડી વોટરિંગ મશીનની ખરીદી કરવામાં આવનાર છે. 33 કરોડના ખર્ચે વરસાદીની ગટરના સાત કામ કરવામાં આવશે. વર્ષ 2023-24 ની 58 કરોડની, વર્ષ 2024-25 ની 61 કરોડની અને વર્ષ 2025-26 ની 62 કરોડની ગ્રાન્ટ મળનાર છે. જે 42 કામો નક્કી થયા છે તેમાં પ્રાથમિકતાના ધોરણે ફેરફાર થવાની પણ શક્યતા છે. આ કામોને મંજૂરી માટે સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ કરાયા છે.