વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનામાં લારી-ગલ્લાના રીમુવલ ચાર્જ પેટે 12.40 લાખની વસુલાત
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે રોડ પર નડતરરૂપ લારી ગલ્લા અને કેબીનોના ગેરકાયદે દબાણ હટાવો ઝુંબેશ ચાલતી રહે છે. છેલ્લા ત્રણ મહિનામાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ્યા બાદ જે લોકો પોતાનો સામાન પરત લઈ ગયા છે તેની પાસેથી રીમુવલ ચાર્જ પેટે 12.40 લાખની વસુલાત કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનના વર્તુળોના જણાવ્યા અનુસાર દર વર્ષે કોર્પોરેશન સરેરાશ આશરે 35 લાખ રીમુવલ ચાર્જ વસૂલ કરે છે. રોડ રસ્તા પર નડતરરૂપ લારીઓ, ગલ્લા, કેબીનો, હોર્ડિંગ બોર્ડ તથા પરચુરણ સામાન વગેરે કબજે કરીને આ બધો સામાન અટલાદરા સ્ટોરમાં જમા કરવામાં આવે છે. કોર્પોરેશનની સમગ્ર સભાએ લારી-ગલ્લા વગેરે પરત આપવા માટે લાગત નક્કી કરી છે. જે લારી બે મીટરથી મોટી હોય તેના પાંચ હજાર અને બે મીટરથી નાની હોય તેના અઢી હજાર ચાર્જ લેવાય છે. જ્યારે કેબિન બે મીટરથી મોટી હોય તો પંદર હજાર અને બે મીટરથી નાની હોય તો દશ હજાર ચાર્જ લેવામાં આવે છે. આ રીતે પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં 5.80 લાખ, જાન્યુઆરીમાં 2.90 લાખ અને ફેબ્રુઆરીમાં 3.70 લાખ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ ત્રણ મહિનામાં 274 જેટલી લારીઓ જપ્ત કરાઈ હતી. 5500 થી વધુ પરચુરણ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના વર્તુળએ જણાવ્યું હતું કે જે લોકો સામાન પાછો નથી લઈ જતા તેની કોર્પોરેશન દ્વારા હરાજી કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં બે વખત હરાજી કરાઈ છે. એક વખત હરાજીમાં 48 લાખ અને બીજી વખત 45 લાખ કોર્પોરેશનને મળ્યા હતા.