વડોદરા: કોર્પોરેશનના સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાને આઠ માસ થયા છતાં વધુ છ માસ લંબાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્તથી વિવાદ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
વડોદરા: કોર્પોરેશનના સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાને આઠ માસ થયા છતાં વધુ છ માસ લંબાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્તથી   વિવાદ 1 - image


વડોદરા, તા. 01 નવેમ્બર 2023, બુધવાર

વડોદરા કોર્પોરેશનના સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાને આઠ મહિના થયા છતાં હજુ છ મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ થયો છે.

 વડોદરા પાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા સૈનિક ઇન્ટેલીજન્સ એન્ડ સીક્યુરીટી પ્રા.લી. અને  શીવ સીક્યુરીટી સર્વિસ પાસેથી વાર્ષિક કોન્ટ્રાક્ટના ધોરણે ટેન્ડર વેલ્યુ 22 કરોડના વાર્ષિક કોન્ટ્રાક્ટની મુદત ગયા ફેબ્રુઆરી મહિનાની તા. 28મીએ પૂરો થઈ ગયો છે આમ આઠ મહિના થવા છતાં નવો કોન્ટ્રાક્ટ રીન્યુ કરાયો નથી. આ ઉપરાંત નવો કોન્ટ્રાક્ટ અમલમાં આવતા સુધી હાલની કાર્યરત એજન્સીઓ પાસેથી સેવા લેવાનું નક્કી કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વડોદરા પાલિકા, દબાણ અને સીક્યુરીટી શાખા દ્વારા વિવિધ શાખાઓમાં સમાવિષ્ટ માલ- મિલકતોની સુરક્ષા અર્થે કાયમી વોચમેન કર્મચારીઓની નિવૃત્તિ અને અવસાન થવાના કારણે સંખ્યાબળ સતત ઘટતું જતું હોવાના કારણોસર આ વિભાગના કર્મચારીઓ અપુરતા છે. એથી ખાનગી સીકયુરીટી એજન્સીઓ પાસેથી વાર્ષિક કોન્ટ્રાક્ટના ધોરણે સીક્યુરીટી સેવાઓ લેવામાં આવે છે.

હાલમાં સૈનિક ઇન્ટેલીજન્સ એન્ડ સીક્યુરીટી પ્રા.લી. અને શીવ સીક્યુરીટી સર્વિસ પાસેથી સીક્યુરીટી સેવાઓ લેવામાં આવે છે. જેના વાર્ષિક ઇજારાની મુદત આઠ મહિના અગાઉ પૂરી થયેલ છે. આમ ઠરાવ અન્વયે કરેલ દરખાસ્ત મુજબ નવીન ઇજારો અમલમાં આવતા સુધી મુદત વધારવાની મ્યુનિસિપલ કમિશ્નરને મળેલ સત્તાની રૂએ હાલનો ઇજારો ચાલુ રાખી અને નવીન ભાવપત્રો મંગાવવા ગયા મે મહિનામાં ટેન્ડરો મંગાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 

જેથી હાલની કાર્યરત આ બંને સિક્યુરિટી એજન્સી પાસેથી ખાનગી સીક્યુરીટી સેવાઓ લેવી જરૂરી  છે. અન્યથા, સુરક્ષા વિષયક પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે વાર્ષિક ઇજારાની મુદત અને નાણાંકીય મર્યાદા વધારવાની જરૂરીયાત છે.

નવા ભાવપત્રો મંગાવવાની પ્રક્રિયામાં આગામી જાન્યુઆરી-2024 સુધીનો સમય થાય તેમ છે. આમ જુલાઇ-23થીજાન્યુઆરી-2024 સુધીના કુલ-7 માસનો અંદાજીત ખર્ચ રૂ.15,49,62,139 થવાની સંભાવના રહેલી છે.

જેથી પ્રક્રિયામાં વધુ સમય વ્યતિત થવાના સંજોગોમાં  રીવાઈઝ્ડ બજેટમાં તેટલી રકમની બજેટ જોગવાઈ કરવા અને તેને આનુસાંગિક જે કોઈ કાર્યવાહી  કરવાના કામને સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરતા વિવાદ સર્જાયો છે.



Google NewsGoogle News