વડોદરા: જમીન વિવાદ, બિલ્ડરબંધુના ઓડિયો અને વિડીયો ક્લીપ વાયરલ કરનાર સામે ફરિયાદ
વડોદરા, તા. 28
મેમણ સમાજના બિલ્ડર ભાઈઓએ મસ્જિદ તોડી પાડી ધર્મ બદલી ત્યાં પૂજાપાઠ કરાવ્યો છે. તેવા ઓડિયો અને વિડીયો ક્લીપ મુસ્લિમ તથા વ્હોરા સમાજમાં વાયરલ કરવા મામલે બિલ્ડર બંધુઓએ બદનક્ષી તથા સમાજમાં વેરઝેર ઊભુ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફોજદારી કાર્યવાહીની માંગણી કરેલી છે.
વડોદરા શહેરની જમનાબાઇ હોસ્પિટલની પાછળના ભાગે આવેલા મેમણ એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદભાઈફારૂક મેમણ અને મોહંમદસાજીદ મેમણ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલા છે . તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, જુના પાયલ હોસ્પિટલની પાછળના ભાગે આવેલી 14/ 2 સી.સ નં. 35 વાળી જગ્યા વેચાણ દસ્તાવેજ ના આધારે ખરીદી કરી પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવ્યું છે. પાલિકાની કચેરી માંથી બાંધકામની પરવાનગી મેળવી આ જગ્યા ઉપર બાંધકામ શરૂ કરતા અલીહુસેન શોહપુરવાલા ( રહે - કિસ્મત કોલોની, આજવારોડ ,વડોદરા) એ આ જમીન તેમના સમાજની મસ્જિદ હોવાની ગણાવી પરેશાન કરવા માટે જુદા જુદા ખાતાઓમાં અમારી વિરુદ્ધ અરજી તથા ફરિયાદ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004 દરમિયાન અમે જમીન ખરીદી ત્યારે પંચકયાશની પ્રક્રિયામાં જમીન ખુલ્લી હાલતમાં હતી અને ત્યાં કોઈપણ મસ્જિદ નથી તેવુ સ્પષ્ટ જણાવ્યું છે . તેમ છતાં બાંધકામના ખાતમુરત સમયે આરોપીએ આ પ્રક્રિયાનો વિડીયો ઉતારી મસ્જિદ તોડી ન હોવા છતાં મુસ્લિમ તથા વ્હોરા લોકોમાં મારી વિરુદ્ધ મસ્જિદ તોડી પાડવાના બહાને ઉશ્કેરણી કરી દુશ્મનાવટ ઊભી થાય તે પ્રકારનો ઓડિયો તથા વીડિયો વાયરલ કર્યો છે. જેના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા છે.