વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવક વચ્ચે મારામારી બાદ હનુમાનજીની મૂર્તિ ખંડિત થતા હોબાળો
Vadodara News : વડોદરાના ભૂતડી ઝાંપા વિસ્તારમાં આવેલી તુલસીવાડીમાં ગણેશ વિસર્જન બાદ ગઈકાલે મોડી રાત્રે એક જ કોમના બે યુવાનો અમને સામને આવી જતા ઘર્ષણનો માહોલ થયો હતો. તે દરમિયાન હનુમાનજીની મૂર્તિ પણ ખંડિત થતા હોબાળો સર્જાયો હતો. આખરે પોલીસે સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો હતો.
શહેરના સંવેદનશીલ એવા ભૂતડી ઝાંપાના તુલસીવાડી વિસ્તારમાં ગણેશ વિસર્જનની મોડી રાત્રે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા વિસ્તારમાં ઉતેજના છવાઈ હતી. ઘટનનાની જાણ થતા કુંભારવાડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ, ગણેશ વિસર્જન યાત્રામાં યુવકો વચ્ચે અંદરોઅંદર ભારે માથાકૂટ સર્જાયા બાદ બે યુવકોએ હોબાળો મચાવી હનુમાનજીના મંદિરમાં તોડફોડ કરવા સાથે કોઈક વસ્તુનો ઘા કરી હનુમાનજીની પ્રતિમા ખંડિત કરી દીધી હતી. જેના કારણે વિસ્તારમાં અજંપાભર્યો માહોલ સર્જાયો હતો. જેથી ભાગદોડ થઈ ગઈ હતી આખરે પોલીસને જાણ થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો.