2019માં 19 ઇંચ વરસાદ કરતા પણ આ વર્ષે 12 ઇંચ વરસાદમાં પૂરની ખરાબ સ્થિતિ
Image: Twitter
Heavy Rain Vadodara: વડોદરા શહેરમાં વર્ષ 2019માં આવેલા 19 ઇંચ જેટલા ભારે વરસાદ અને પૂરમાં જેટલી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી તેના કરતાં પણ વધારે ભયાનક સ્થિતિનું નિર્માણ આ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદમાં થયું છે.
ઉલ્લેખનિય છે કે વર્ષ 2019માં વડોદરા શહેરમાં અતિભારે 19 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે તેમજ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા પાણીના કારણે વડોદરા શહેરમાં તબાહી મચાવી દેનારું પૂર આવ્યું હતું. ભારે વરસાદના કારણે અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતાં જે બે- ત્રણ દિવસ સુધી ઉતર્યા ન હતાં. શહેરીજનોને પોતાના ઘરના સામાન સહિતની વસ્તુઓનું કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
હજી આ વિનાશક પૂરને માંડ પાંચ વર્ષ જ થયાં છે અને આ વર્ષે ફરી ભારે વરસાદ અને પૂરે શહેરને ઘમરોડ્યું છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2019માં આવેલાં 19 ઇંચ વરસાદમાં વિશ્વામિત્રી નદીના પૂરમાં જેટલાં પાણી નદી કાંઠા વિસ્તારમાં તેમજ સોસાયીઓમાં ઘૂસ્યા ન હતાં તેના કરતાં પણ વધારે પાણી આ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદને કારણે લોકોનાં ઘરોમાં પ્રવેશ્યા છે.
વિશ્વામિત્રી નદીમાં આવેલાં પૂરના પાણી વર્ષ 2019ના પૂરના પાણી કરતાં પણ વધારે છે. સોસાયટીના ઘરોમાં ગત પૂરની સરખામણીમાં બે ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાઈ ગયા હતાં. સોસાયટીના રહીશો પણ છેલ્લાં 30 વર્ષમાં આવું પૂર નથી જોયું તેવી વાતો કરતા થઈ ગયા હતાં.