વડોદરામાં 30 વર્ષની સરખામણીએ ચોમાસાની શરૂઆતમાં જ ઓછો વરસાદ નોંધાયો
Vadodara Monsoon Season : વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદની ઋતુમાં છેલ્લા 30 વર્ષમાં સરેરાશ 863 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે આ વર્ષે ચોમાસાની સિઝનમાં પ્રારંભમાં સરેરાશ 36.75 મીમી વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા 30 વર્ષની સરખામણીએ આ મહિનામાં વરસાદ નામ માત્ર નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના સાવલી તાલુકામાં 30 વર્ષ અગાઉ જૂન મહિનામાં સરેરાશ 816 મીમી વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે જૂન મહિનાના અંત ભાગ સુધીમાં નામ માત્ર એક મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આવી જ રીતે વડોદરામાં 1073 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે માત્ર 40 મીમી વરસાદ જૂન મહિનામાં અત્યાર સુધી નોંધાયો છે. જ્યારે વાઘોડિયામાં 725 મીમી નોંધાયો હતો. પરંતુ આ વર્ષે માત્ર 42 મીમી છે.
ડભોઇ ખાતે 30 વર્ષ અગાઉ 1004 મીમીના બદલે આ વર્ષે માત્ર 30 મીમી છે. જ્યારે પાદરા ખાતે 716 મીમીની જગ્યાએ હાલ માત્ર 27 મીમી અને કરજણ ખાતે 1031 મીમી હતો. જે હાલમાં માત્ર 77 મીમી છે. સિનોર ખાતે 736 મીમીના બદલે હાલ 63 મીમી છે. તેવી જ રીતે ડેસરમાં 805 મીમીના બદલે માત્ર 14 મીમી છે. આમ શહેર-જિલ્લામાં જૂન માસમાં અગાઉ સરેરાશ 830 મીમીના બદલે હાલ માત્ર 36.75 મીમી નોંધાયો છે.