વડોદરાના વેપારીનો મુવાલના ગોડાઉનમાં ફાંસો ખાઇ આપઘાત
જે.પી.રોડ વિસ્તારમાં રહેતા વેપારી સાથે છેલ્લે પત્નીએ વાત કરી હતી ઃ આપઘાતનું રહસ્ય અકબંધ
પાદરા તા.૨૦ પાદરા તાલુકાના મુવાલ ગામે ગોડાઉનમાં મૂળ પાદરાના અને હાલ વડોદરામાં રહેતા વેપારીએ ેરહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના જુના પાદરા રોડ પર આવેલ ઝવેરચંદ પાર્કમાં રહેતા દિનેશ અંબાલાલ પટેલ (ઉ.વ.૫૫) પાદરા તાલુકાના મુવાલ ગામે પોતાની શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ નામે પેઇન્ટ તેમજ પાણીની ટાંકીનો ધંધો કરતા હતાં. તેમની દુકાનની સાથે ગોડાઉન પણ મુવાલમાં જ છે. ગઇકાલે બપોરે બે વાગે તેઓ દુકાનેથી નીકળી ગોડાઉન ઉપર ગયા હતા અને ગોડાઉનના છતના લોખંડના ગર્ડર સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે દિનેશભાઇ શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ નામે વર્ષોથી વેપાર કરતાં હતા તેઓ રોજ વડોદરાથી મુવાલ અપડાઉન કરતા હતાં. તેમના મોબાઇલની કોલ ડિટેલ જોતા છેલ્લે પત્ની સાથે વાત થઇ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જો કે તેમણે ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હજી સુધી બહાર આવ્યું નથી. ગૃહ કલેશ અથવા આર્થિક તેમજ અન્ય કોઇ કારણસર વેપારીએ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વડુ પોલીસ દ્વારા મૃતકના કાકા રમણભાઇ છોટાભાઇ પટેલની જાહેરાત મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે.